ઓનલાઈન ગેમિંગમાં લાખો રૂપિયા ગુમાવનારી વાઈસ પ્રિન્સિપાલે પોતાની જ કોલેજમાં ચોરી કરી

Rudra
By Rudra 3 Min Read

અમદાવાદ : ઓનલાઈન ગેમિંગ જેમ રોજિંદા જીવનનો ભાગ જેમ જેમ બની રહ્યું છે, તેમ તેની અસરો પણ ગંભીર સ્વરૂપ ધારણ કરતી જાય છે. આવા જ એક ચોંકાવનારા કેસમાં અમદાવાદની એક મહિલા પ્રિન્સિપાલ ઓનલાઇન ગેમની લતના કારણે ગુનો કરતી પકડાઈ ગઈ છે. અમદાવાદના નર્સિંગ કોલેજના વાઈસ પ્રિન્સિપાલે ચોરી કરી હોવાનું સામે આવતા લોકો આશ્ચર્ય ચક્તિ થયા છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદની નર્સિંગ કોલેજના મહિલા વાઈસ પ્રિન્સિપાલ ઓનલાઈન ગેમિંગમાં પૈસા હારી ગયા હતા. જેના કારણે ચોરી કરી હતી. મહિલા પ્રિન્સિપાલ ગેમિંગમાં રૂપિયા હારી જતા ચોરીના રવાડે ચઢ્યા હતા. પોતાની જ કોલેજમાં ૮ લાખ રુપિયાની ચોરી કરી હતી. મળતી માહિતી અનુસાર શુભમ નર્સિંગ કોલેજમાં ઘટના બની હતી. ચોરી બાદ CCTV ચેક કરતા સમયે ભાંડો ફૂટ્યો હતો. ચશ્માની ફ્રેમ, હાથના અંગૂઠા, પગના અંગૂઠાને આધારે શંકા ગઈ હતી.

આ કેસમાં આરોપી સુચિ રાય, અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી શુભમ નર્સિંગ કોલેજમાં વાઇસ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી હતી. શિક્ષણ વ્યવસ્થામાં નૈતિકતા અને જવાબદારીનું પ્રતિબિંબ ગણાતી વ્યક્તિએ પોતાનું માનવિક દાયિત્વ ભૂલીને મોટી ચોરીને અંજામ આપ્યો છે. તથાકથિત રીતે, છેલ્લા ૫-૬ મહિનાથી સુચિ રાય ઓનલાઇન ગેમિંગની લતનો શિકાર બની હતી. માસિક ૪૭,૦૦૦ રૂપિયાનું પગાર હોવા છતાં, તેણે ગેમિંગમાં લાખો રૂપિયા ગુમાવ્યાં હતા. જેમ જેમ દેવું વધ્યું, તેમ તેમ આર્થિક દબાણ પણ વધ્યું. અંતે, પોતે કામ કરતી કોલેજમાંથી રૂપિયા ચોરી કરવાનો ર્નિણય કર્યો અને રૂ. ૮ લાખની ચોરીને અંજામ આપ્યો.

કોલેજમાં થઈ રહેલી આર્થિક અનિયમિતતા બાદ જ્યારે ચોરીની ફરિયાદ થઈ, ત્યારે મેઘાણીનગર પોલીસે તરત જ તપાસ શરૂ કરી. CCTV ફૂટેજના આધારે પોલીસે શરૂઆતમાં ચશ્માની ફ્રેમ અને હાથ-પગના અંગૂઠાના નિશાનોથી સંદેહાસ્પદ વ્યક્તિની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો. વધુ તપાસ દરમિયાન પોલીસને સુચિ રાય પર શંકા જતાં, તેની પૂછપરછ કરવામાં આવી. કડક પૂછપરછમાં અંતે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો.

આ ઘટનાને પગલે પોલીસે IPCની લગતી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ, પોલીસ તપાસ કરી રહી છે કે શું આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ પણ સામેલ છે કે કેમ. હાલ વધુ તપાસ ચાલુ છે.

નૈતિકતા સામે સવાલ ઉભા કરે તેવી ઘટના

આ કિસ્સો માત્ર ચોરી સુધી મર્યાદિત નથી, પણ એ શિક્ષણ જગતની પ્રતિષ્ઠા સામે પણ સવાલ ઊભા કરે છે. એક શિક્ષિકા, જે વિદ્યાર્થીને શિસ્ત અને જવાબદારી શીખવે છે, તે પોતે ગેરકાયદે માર્ગે ચાલે — એ નૈતિક સંકટ પણ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના સાવચેત રહેવાની અનિવાર્યતા સૂચવે છે — ખાસ કરીને ડિજિટલ ગેમિંગના વ્યસનથી દૂર રહેવા માટે. ટેકનોલોજીનો ઉપયોગ જીવન સરળ બનાવવા માટે હોવો જાેઈએ, ન કે જીવન નષ્ટ કરવા માટે.

Share This Article