અમદાવાદ : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ના બીજા દિવસે મહાત્મા મંદિર ખાતે યુએસ-ઇન્ડિયા, તાઇવાન-ઇન્ડિયા, નોર્વે-ઇન્ડિયા અને ઇન્ડિયા-જર્મની વચ્ચે વિવિધ કન્ટ્રી સેમિનાર યોજાયા હતા. જેમાં યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજી પાર્ટનરશિપ ફોરમ અંગે સેમિનાર યોજાયો હતો, જેમાં ગુજરાત અને ભારતમાં અમલી આરોગ્યલક્ષ્મી યોજના તેમજ હેલ્થકેર ક્વોલિટી ક્ષેત્રે ગુજરાતના આરોગ્ય કમિશનર અને અગ્ર સચિવ ડા. જયંતી રવિ, યુએસ ઇન્ડિયા ફોરમના સીઈઓ ડા. મુકેશ અગહી સહિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તજજ્ઞોએ આ ક્ષેત્રના વિકાસ અને રોકાણ માટે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
આ ઉપરાંત તાઇવાન-ઇન્ડિયા એમઓયુ શાઇનિંગ સેરેમની તેમજ નોર્વે, જર્મની, ગુજરાત અને ભારતમાં સૌર અને પવન ઊર્જાની સંભાવનાઓ, જરૂરિયાતો, માંગ અને રોકાણ વિશે કન્ટ્રી સેમિનાર યોજાયા હતા. જેમાં સૌર અને પવન ઊર્જાના તજજ્ઞો ઉત્પાદકો અને રોકાણકારો વચ્ચે વિચાર- વિમર્શ કરાયો હતો.