અમદાવાદઃ ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યા બાદ “વેન્ટિલેટર” હવે આ વખતે ગુજરાતી દર્શકોના દિલ જીતવા પરત ફરી રહી છે. મરાઠી ફિલ્મ વેન્ટિલેટરે વિવેચકો તેમજ દર્શકો બંનેની પ્રશંસા મેળવી છે અને બોક્સ ઓફિસ પર પણ સારો દેખાવ કહ્યો છે. ગુજરાતી વેન્ટિલેટરના સર્જક ઈરડા એન્ટરટેઈનમેન્ટ પોતાની બાહોશ ટીમની સાથે આ હૃદય-દ્રાવક વાર્તાને કહેવાનો રોમાંચ અનુભવે છે.
મહાન બોલિવૂડ એક્ટર જેકી શ્રોફ ગુજરાતી ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ગુજરાતી સિનેમા ક્ષેત્રે જેકી શ્રોફની આ ડેબ્યુ ફિલ્મ હશે. અત્યંત રોમાંચ સાથે બોલિવૂડ એક્ટરે જણાવ્યું હતું કે, “આખરે મારી માતૃભાષા એટલે કે ગુજરાતીમાં બનેલી ફિલ્મમાં મેં ભૂમિકા અદા કરી છે. મને આશા છે કે હું તેની અપેક્ષાઓને પરિપૂર્ણ કરી શકીશ.”
આ રિમેકની પટકથા નિરેન ભટ્ટ અને કરણ વ્યાસે લખેલી છે અને તેનું દિગ્દર્શન ઉમંગ વ્યાસે કર્યું છે. આ ફિલ્મનું નિર્માણ ફાલ્ગુની પટેલ તથા સહ-નિર્માણ લોરેન્સ ડિ’સોઝાએ કર્યું છે.
મરાઠી ફિલ્મના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા ડાયરેક્ટર રાજેશ મપુસકર પણ કિર્એટિવ ડાયરેક્શન અને માર્ગદર્શન માટે ફિલ્મસર્જકો સાથે જોડાયા છે. પોતાના સહભાગીપણા વિશે તેમણે કહ્યું હતું કે, “વેન્ટિલેટરને અન્ય સંસ્કૃતિમાં વણાયેલી જોવાનો રોમાંચ અનેરો રહેશે. મને સૌથી વધુ રોમાંચ તો આ ફિલ્મમાં આશુતોષ ગોવારીકરની ભૂમિકામાં જગ્ગુદાદાને જોવાનો છે. તેમને આ ફિલ્મમાં સામેલ કરવાનો મને આનંદ છે.”
આ ફિલ્મના પોસ્ટરને ૯મી ઓગસ્ટના રોજ લોંચ કરાયું હતું અને તેને ૧૪મી સપ્ટેમ્બરે રિલિઝ કરાશે. આ સાહસ અને મનોરંજન વિશે ઈરડા એન્ટરટેઈન્મેન્ટના સ્થાપક ફાલ્ગુની પટેલે જણાવ્યું હતું કે, “બદલાતા સિનેમાના આ રસપ્રદ યુગમાં અમે કન્ટેન્ટમાં સમૃદ્ધ હોય અને વિશાળ શ્રેણીની ઓડિયન્સનું મનોરંજન કરે તેવી પટકથાઓ પર સમાંતર કાર્ય કરી રહ્યા છીએ.”