અમદાવાદ: ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યા બાદ બહુચર્ચિત ફિલ્મ વેન્ટિલેટર હવે આ વખતે ગુજરાતી દર્શકોના દિલ જીતવા પરત ફરી રહી છે. તા.૧૪મી સપ્ટેમ્બરે ગુજરાતભરના સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહેલી આ ગુજરાતી ફિલ્મનું મુખ્ય આકર્ષણ હિન્દી ફિલ્મોના અભિનેતા જેકી શ્રોફ છે. હા..ગુજરાતી ફિલ્મ વેન્ટિલેટરમાં મહાન બોલિવુડ એક્ટર જેકી શ્રોફ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ગુજરાતી સિનેમા ક્ષેત્રે જેકી શ્રોફની આ ડેબ્યુ ફિલ્મ હશે.
અમદાવાદમાં ગુજરાતી ફિલ્મના મ્યુઝિક લોન્ચીંગ પ્રસંગે ખાસ શહેરની મુલાકાતે આવેલા બોલીવુડના જાણીતા કલાકાર જેકી શ્રોફે જણાવ્યું હતું કે, તેના જીવનમાં પ્રથમ ગુજરાતી ફિલ્મમાં કામ કરી તેઓ બહુ ઉત્સાહિત છે. આમ તો, તેમની માતૃભાષા ગુજરાતી જ છે, પરંતુ નાનપણથી જ મુંબઇ સ્થાયી થયા બાદ ગુજરાતી ભાષાનો મહાવરો છૂટી ગયો હતો પરંતુ આ ગુજરાતી ફિલ્મ માટે મેં ખાસ પ્રકારે સમય કાઢીને પણ ગુજરાતી ભાષા શીખી અને ફિલ્મમાં તે સારી રીતે બોલવાનો પ્રયાસ કર્યો છે.
તેમણે ઉમેર્યું કે, વેન્ટીલેટર ફિલ્મ આ તેમની ૧૩મી હિન્દી સિવાયની ભાષાની ફિલ્મ છે. અત્યાર સુધી તેઓ જુદી જુદી ૧૨ ભાષાઓમાં અભિનય ક્ષેત્રે કામ કરી ચૂકયા છે. ગુજરાતી ભાષા એ બહુ મીઠી અને હૃદયની નજીક રહે તેવી ભાષા છે. મને જો ભવિષ્યમાં તક મળશે તો હું ફરીથી ગુજરાતી ફિલ્મોમાં કામ કરીશ. જેકી શ્રોફે ડાઉન ટુ અર્થ મેનની જેમ આજે ફિલ્મની અન્ય સ્ટારકાસ્ટ, ડિરેકટર, પ્રોડયુસર્સ અને સમગ્ર ટીમના ભારોભાર વખાણ કર્યા હતા અને તેમને આ પ્રકારની ઉંચા દરજ્જાની ગુજરાતી ફિલ્મો સતત બનાવતા રહેવા પ્રોત્સાહિત કર્યા હતા. મરાઠી ફિલ્મ પરથી બનાવાયેલી ગુજરાતી ફિલ્મ વેન્ટીલેટર બહુ જ હૃદયસ્પર્શી અને સમાજિક સંદેશા સાથે તા.૧૪મી સપ્ટેમ્બરથી સિનેમાઘરોમાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, મરાઠી ફિલ્મ વેન્ટિલેટરે વિવેચકો તેમજ દર્શકો બંનેની ખૂબ જ પ્રશંસા મેળવી છે અને બોક્સ ઓફિસ પર પણ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે ત્યારે ગુજરાતી વેન્ટિલેટરના સર્જક ઈરાદા એન્ટરટેઈનમેન્ટ પોતાની બાહોશ ટીમની સાથે આ હૃદય-દ્રાવક વાર્તાને કહેવાનો રોમાંચ અનુભવે છે.
આ રિમેકની પટકથા નિરેન ભટ્ટ અને કરણ વ્યાસે લખેલી છે અને તેનું દિગ્દર્શન ઉમંગ વ્યાસે કર્યું છે. આ ફિલ્મનું નિર્માણ ફાલ્ગુની પટેલ તથા સહ-નિર્માણ લોરેન્સ ડિ’સોઝાએ કર્યું છે. મરાઠી ફિલ્મના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા ડાયરેક્ટર રાજેશ મપુસકર પણ ક્રિએટીવ ડાયરેક્શન અને માર્ગદર્શન માટે ફિલ્મસર્જકો સાથે જોડાયા છે. પોતાના સહભાગીપણા વિશે તેમણે જણાવ્યું હતું કે, વેન્ટિલેટરને અન્ય સંસ્કૃતિમાં વણાયેલી જોવાનો રોમાંચ અનેરો રહેશે. મને સૌથી વધુ રોમાંચ તો આ ફિલ્મમાં આશુતોષ ગોવારીકરની ભૂમિકામાં જગ્ગુદાદાને જોવાનો છે. તેમને આ ફિલ્મમાં સામેલ કરવાનો મને આનંદ છે. આ ગુજરાતી ફિલ્મમાં નાટયજગતના જાણીતા હાસ્ય કલાકાર સંજય ગોરડીયા પણ સૌપ્રથમવાર ગુજરાતી પડદા પર પદાર્પણ કરી રહ્યા છે, તેમણે ફિલ્મને લઇ ભારે ઉત્સાહ અને તેની સફળતાને લઇ આશા વ્યકત કરી હતી.
ફિલ્મમાં હીરો તરીકે પ્રતિક ગાંધી ઉપરાંત, મનન દેસાઇ, ઓજસ રાવલ, મિત્ર ગઢવી સહિતના કલાકારોએ પણ જોરદાર અભિનય આપ્યો છે. તો, સંગીત પાર્થ ભરત ઠક્કરે આપ્યું છે અને તેના કર્ણપ્રિય ગીતોને જાણીતા ગાયક પાર્થિવ ગોહિલ, આદિત્ય ગઢવી અને સિધ્ધાર્થ અમિત ભાવસારે કંઠ આપ્યો છે, જેને લઇ આ ગુજરાતી ફિલ્મ પણ ગુજરાતી દર્શકોને ખૂબ ગમશે અને ચોક્કસપણે સફળ થશે, તેવો આશાવાદ સ્ટારકાસ્ટે વ્યકત કર્યો હતો.