‘વશ લેવલ 2’નું ટ્રેલર લોન્ચ : હોરર, સસ્પેન્સ અને થ્રિલથી ભરેલી નવી સફર

News KhabarPatri
By News KhabarPatri 5 Min Read

ગુજરાત : જાનકી બોડીવાલા સ્ટારર ફિલ્મ વશ ફિલ્મી પરદે સફળતાનાં શિખરે પહોંચી હતી. આ ફ્રેન્ચાઈઝીની સૌથી મોટી ફિલ્મ “વશ લેવલ 2” આવી રહી છે , કે જે 27મી ઓગસ્ટના રોજ રિલીઝ થઈ રહી છે. મહત્વની વાત એ છે કે આ ફિલ્મ હિન્દીમાં પણ એ જ દિવસે “વશ વિવશ લેવલ 2” તરીકે રિલીઝ થઇ રહી છે. વશ ફિલ્મ વશીકરણ અને સસ્પેન્સથી ભરપૂર હતી. આ ફિલ્મમાં જાનકી બોડીવાલા સાથે હિતુ કનોડિયા અને હિતેન કુમારનો રોલ ખાસ હતો. જેમાં હિતેન કુમાર વશીકરણ કરનાર વ્યક્તિ બતાવ્યા હતા અને તેમણે જાનકી બોડીવાલાને પોતાના વશમાં કરી લીધી હતી. આ ફિલ્મે અંત સુધી લોકોને જકડી રાખ્યા હતા. આ ફિલ્મ પરથી બૉલીવુડ ફિલ્મ બની. પ્રથમ ફિલ્મની અભૂતપૂર્વ સફળતા બાદ લેખક- દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક “વશ લેવલ 2” લઈને આવી રહ્યાં છે.

કૃષ્ણદેવ યાજ્ઞિક ગુજરાતના જાણીતા દિગ્દર્શક અને પટકથા લેખકોમાંના એક છે. તેઓ કરસનદાસ પે એન્ડ યુઝ, શું થયું, નાડીદોશ, રાડો અને છેલ્લો દિવસ જેવી ફિલ્મોના દિગ્દર્શન માટે જાણીતા છે. ડિરેક્ટરે 2023 માં વશ નામની થ્રિલર ફિલ્મ બનાવી, જેણે ગુજરાતી સિનેમામાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો . કૃષ્ણદેવ યાજ્ઞિક “વશ લેવલ ૨” સાથે પાછા ફર્યા છે. જેમાં મુખ્ય કલાકારોમાં જાનકી બોડીવાલા, હિતુ કનોડિયા, મોનલ ગજ્જર અને હિતેન કુમાર જોવા મળશે. કેએસ એન્ટરટેઇન્મેન્ટ અને અનંતા બિઝનેસકોર્પ દ્વારા પ્રસ્તુત કરાયેલ અને પટેલ પ્રોસેસિંગ સ્ટુઝિયોઝ સાથેના એસોશિએશનથી બનેલ બિગ બોક્સ સિરીઝના પ્રોડક્શન હેઠળ આ સુપરનેચરલ ફિલ્મ હોરર, સસ્પેન્સ, થ્રિલ થકી દર્શકોને જરૂરથી જકડી રાખશે.

 

આ ફિલ્મનું ભવ્ય રીતે ટ્રેલર લોન્ચ કરાયું. આ પ્રસંગે કેએસ એન્ટરટેઇન્મેન્ટ તરફથી કૃણાલ સોની (નિર્માતા) અને કલ્પેશ સોની (નિર્માતા) , અનંતા બિઝનેસ કોર્પ. તરફથી નિલય ચોટાઈ (નિર્માતા), પટેલ પ્રોસેસિંગ તરફથી ધ્રુવ પટેલ (નિર્માતા) તથા દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક અને અભિનેત્રી જાનકી બોડીવાલા અને મોનલ ગજ્જર તથા અભિનેતા હિતેનકુમાર અને હિતુ કનોડિયા અને ચેતન દૈયા ઉપસ્થિત રહ્યાં હતા. ટ્રેલર લોન્ચ પ્રસંગે એક સરપ્રાઈઝ થકી ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. ફિલ્મના મેકર્સે જણાવ્યું કે “વશ લેવલ 2” હિન્દીમાં પણ રિલીઝ થશે. એટલે કે, આ ફિલ્મ દર્શકોને ગુજરાતી અને હિન્દી એમ બંને ભાષામાં જોવા મળશે અને વર્લ્ડવાઈડ રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 27 ઓગસ્ટ, 2025ના રોજ આવી રહી છે અને દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. “વશ”ની સફળતા બાદ “વશ લેવલ 2″થી ગુજરાતી જ નહિ પણ હિન્દી ફિલ્મ જગતમાં પણ એક નવો બેન્ચમાર્ક સેટ થશે તે તેઓ નક્કી જ છે.

 

ફિલ્મનો બીજો ભાગ પહેલા ભાગની સ્ટોરી સાથે કનેક્ટેડ છે. ટ્રેલર જોયા બાદ એવું ચોક્કસપણે કહી શકાય કે આ ફિલ્મ પહેલા કરતા પણ વધારે હોરર હોઈ શકે છે. આ વાર્તા બાર વર્ષ પછી શરૂ થાય છે જ્યારે અથર્વ તેની પુત્રી આર્યાને એક વશીકરણ થી બચાવે છે – પરંતુ તેને ખબર પડે છે કે તે વશીકરણ તેને ક્યારેય છોડતી નથી. જેમ જેમ અજીબોગરીબ ઘટનાઓ ફરી શરૂ થાય છે, તેમ તેમ તેને ફરી એકવાર તેણીને બચાવવા માટે લડવું પડે છે.ટ્રેલર એક ઘેરા, વધુ મનોવૈજ્ઞાનિક પ્લોટની ઝલક આપે છે જે હોરર, ઈમોશન્સ અને સસ્પેન્સનું મિશ્રણ છે. આ ફિલ્મમાં જાનકી બોડીવાલા, હિતેન કુમાર, હિતુ કનોડિયા, મોનલ ગજ્જર મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે. સાથે જ, ચેતન દૈયા અને પ્રેમ ગઢવી પણ આ ફિલ્મમાં પોતાના અભિનયના ઓજસ પાથરશે.

 

વશ- આ શબ્દ પરથી એ સાર્થક થાય છે કે આ ફિલ્મ “વશીકરણ” પર આધારિત છે. “વશ લેવલ 2” એટલે કે આ ફિલ્મમાં હચમચાવી દે તેવું કન્ટેન્ટ જોવા મળશે. ફિલ્મના ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મની સ્ટોરી એક ગર્લ્સ સ્કૂલ સાથે જોડાયેલી છે. જેમાં ગર્લ્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓ પર વશીકરણ કરવામાં આવ્યું હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. આ વાર્તા ગુજરાતની એક ગર્લ્સ સ્કૂલની સવારથી શરૂ થાય છે. અડધો દિવસ પસાર થાય છે તમે , શાળામાં એક ભયાનક ઘટના બનેછે, જ્યાં 10 છોકરીઓ એક અજાણ્યા “અંકલ “ના પ્રભાવમાં શાળાના ટેરેસ પરથી કૂદી પડે છે. અથર્વને આ સમાચાર વિશે ખબર પડે છે કે 12 વર્ષ પહેલાં તેની પુત્રી આર્યા સાથે પણ આવું જ કંઈક બન્યું હતું. અથર્વ આગળ શું કરશે? શું બીજી છોકરીઓ બચી જશે? શું તેઓ વશમાંથી બહાર આવશે? આ બધા પ્રશ્નોના જવાબ ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે.
અપાર સફળતા પ્રાપ્ત કરનારી “વશ” પછી હવે દર્શકો માટે શરૂ થાય છે એક નવી, વધુ ગાઢ અને વધુ ડરામણી સફર – ‘વશ લેવલ 2’. ટ્રેલરએ જે ડરનું બીજ વાવી દીધું છે, તે હવે રિલીઝના દિવસે આખું વટવૃક્ષ બનીને પરદે ધૂમ મચાવશે.

 

27 ઓગસ્ટ, 2025 – તૈયાર રહો એક એવી વાર્તા માટે, જે સીધી દિલમાં ઊતરી જશે. હવે જંગ છે માત્ર વશ થવાની નહીં…પણ આઝાદ થવાની!

Share This Article