જય મા સરસ્વતી.
દોસ્તો હવે સમય આવી ગયો છે વસંતઋતુના આગમનનો અને સાથે જ આગમન થશે પરીક્ષાઓનો. પરીક્ષા આવે એટલે વાંચવું પડે પણ જ્યારે વાંચવાની વાત આવે ત્યારે મારા અમુક વિદ્યાર્થી મિત્રોને ડર લાગવા માંડે, વાંચવાનું યાદ ન રહે અને કદાચ વાંચેલુ યાદ તો રહી જાય પણ મૌખિક અભ્યાસના સમયે ભૂલી જવાય. હવે, આનું નિરાકરણ તો જોઈએ જ જોઈએ. તો, ચાલો આહ્વાન કરીએ વસંતઋતુની અધિષ્ઠાયિકા, મયૂરવાહિની, પોતાના ચાર હાથોમાં માળા, વેદ અને વીણાને ધારણ કરનાર મા ભગવતી સરસ્વતીનું, જેઓ આવશે અને મારા નન્હા મુન્ના તમામ વિદ્યાર્થીમિત્રોની સમસ્યાઓનું સમાધાન લાવી દેશે. તો ચાલો સૌથી પહેલા જાણીએ દેવી સરસ્વતીના પ્રાગટ્ય અને તેમના એક એવા મેજિક મંત્ર વિશે જે તમારી યાદશક્તિને બુસ્ટર સ્પીડથી વધારશે.
દેવી સરસ્વતી અને તેમનો ઈતિહાસ
સરસ્વતી માતાને સાહિત્ય, સંગીત અને કલાની દેવી માનવામાં આવે છે. આ દેવીમાં વિચારણા, ભાવના તથા સંવેદનાનો ત્રિવિધ સમન્વય છે. એમનાં હાથમાંનાં પ્રતિકો વીણા સંગીતનું, પુસ્તક વિચારણાનું અને મયૂર વાહન કલાની અભિવ્યક્તિ કરે છે. લોક ચર્ચામાં સરસ્વતી દેવી વિદ્યા અને શિક્ષણની દેવી માનવામાં આવે છે. શિક્ષણ સંસ્થાઓમાં વસંત પંચમીને સરસ્વતી માતાનો જન્મદિન સમારોહપૂર્વક મનાવવામાં આવે છે. પશુને મનુષ્ય બનાવવા માટેનું અને આંધળાને નેત્ર મળવાનું શ્રેય શિક્ષણને આપવામાં આવે , જેના કારક દેવી સરસ્વતી છે. શિક્ષણની ગરિમા-બૌદ્ધિક વિકાસની આવશ્યકતા જન-જનને સમજાવવાને માટે સરસ્વતી પૂજા કરવાની પરંપરા છે.
પ્રારંભિક કાળમાં, ભગવાન વિષ્ણુએ બ્રહ્માને જીવંત જીવો, ખાસ કરીને મનુષ્ય યોનિને બનાવવા માટે આદેશ આપ્યો. તેઓ તેમની સર્જનોથી સંતુષ્ટ ન હતા. તેમને લાગ્યું કે આ તમામ સર્જનમાં કઈંક કમી હતી, જેના કારણે આસપાસની દુનિયામાં શાંતિની છાયા છે. વિષ્ણુ પાસેથી બ્રહ્માએ આજ્ઞા લઈને તેમના કમંડલમાંથી ધરતી પર પાણી છાંટ્યું અને એ જળના બિંદુ પૃથ્વી પર પડતાની સાથે જ ધરતીમાં ધ્રૂજારી શરૂ થઈ.ત્યાર બાદ વૃક્ષોની વચ્ચેથી એક આશ્ચર્યજનક શક્તિનું પ્રાગટ્ય થયું. તે પ્રાગ્ટય એક સુંદરચતુર્ભુજ સ્ત્રીનું હતું જેનો એક હાથમાં વીણા હતી અને બીજો હાથ વરદમુદ્રામાં હતો. બીજા બે હાથમાં પુસ્તકો અને માળા હતા. બ્રહ્માએ દેવીને વીણા વગાડવા વિનંતી કરી અને જેવી દેવીએ વીણા વગાડી, તેમ જ વિશ્વના તમામ જીવોએ અવાજ પ્રાપ્ત કર્યો. પાણીમાં પ્રવાહનો અવાજ ફેલાય છે. પવનમાં સૂસવાટા પેદા થાય છે. ત્યારબાદ બ્રહ્માજીએ દેવી સરસ્વતીને ભાષા, રાગ અને વાણીની દેવી કહી. સંગીતના મૂળના કારણે, તે સંગીતની દેવી પણ છે. ભારત સહિત દક્ષિણ એશિયાના ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડ, ચીન, મ્યાનમાર,જાપાન અને તિબેટ જેવા દેશો પણ વસંતપંચમીના દિવસને તેમની જન્મજયંતી તરીકે ઉજવે છે.
મા સરસ્વતીનો મેજિક મંત્ર –
ઓમ ઐં નમ:
ઉપરોક્ત મંત્ર દેવી સરસ્વતીનો વૈદિક મંત્ર છે. ઐં, એ દેવીનો બીજ મંત્ર છે. દરેક વિદ્યાર્થીમિત્રોએ વાંચતા પહેલા આ મંત્રનો એકવીસ વાર જાપ કરવો જોઈએ. જો કોઈ વિદ્યાર્થીમિત્ર બ્રહ્મમુહૂર્તમાં એટલે કે સવારે ચાર વાગે ઊઠીને આ મંત્રનો જાપ કરે તો તેની યાદશક્તિમાં ઉત્તરોત્તર વધારો થાય છે. જો કે ફક્ત આ મેજિક મંત્ર પર સંપૂર્ણપણે મદાર રાખી શકાય નહિ. ભણવું તો પડે જ નહિ તો દેવી સરસ્વતી પણ મદદ નહિ કરે દોસ્તો.
અષ્ટાક્ષરી મંત્ર
શ્રીં હ્રીં સરસ્વત્યૈ સ્વાહા
સરસ્વતી ગાયત્રી મંત્ર
ઓમ વિદ્યારૂપાયૈ વિદ્મહે વાણીરૂપાયૈ ધીમહિ તન્નો શારદા પ્રચોદયાત્.
આ મંત્ર વિદ્યાર્થીઓ માટે શ્રેયસ્કર છે કારણ કે આ મંત્ર માટે કોઈ જ નિશ્ચિત જાપસંખ્યા નથી.
તંત્રોક્ત મંત્ર
ઓમ ઐં હ્રીં ઐં વદ્ વદ્ વાગ્વાદિની દેવી સરસ્વતી આગચ્છ આગચ્છ મમ જિવ્હાગ્રે વાસં કુરુ કુરુ સ્વાહા
વિદ્યા, સાહિત્ય અને સંગીત સાથે સંકળાયેલા લોકોએ સફળતા માટે ઉપરોક્ત મંત્રની એકવીસ દિવસ સુધી રોજ 12 માળા કરવી જોઈએ. (કુલ 1250 વાર જાપ એક જ બેઠકમાં) નવરાત્રિ દરમ્યાન જો નવ દિવસના અનુષ્ઠાન દરમિયાન જો ઉપરોક્ત વૈદિક મંત્રની રોજની 3 માળા ગણવામાં આવે તો વચનસિદ્ધિ પ્રાપ્ત થાય છે. જો કે આવા જાપ કે અનુષ્ઠાન કરતા પહેલા ગુરુની આજ્ઞા અને સલાહ લેવી જરૂરી છે કારણ કે જાપ બાદ દશાંશ હોમ, તર્પણ, માર્જન પણ કરવું પડે છે અને એક વાત ધ્યાન રાખવી જરૂરી છે કે જો આ જાપનો દુરૂપયોગ કરવામાં આવે તો તેની આડઅસર પણ થાય છે.
આ વસમતપંચમી એ મા સરસ્વતી સહુ વાચકમિત્રોને વાચા, શ્રુતિ અને સૂર પ્રદાન કરે એવી અભ્યર્થના….. જય મા સરસ્વતી….