૪ થી ૧૮ જુલાઈએ ગીર સોમનાથમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતમાં છેલ્લા બે દાયકા દરમ્યાન થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે ગીર-સોમનાથમાં ૪ થી ૧૮ જુલાઇ દરમ્યાન વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ઇણાજ જિલ્લા સેવાસદન ખાતે કલેકટર રાજદેવસિંહ ગોહીલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમના સુચારૂ આયોજન માટે અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમ્યાન વિવિધ વિકાસાત્મક કાર્યોનું લોકાર્પણ, નવા મંજુર થયેલા કામોની જાહેરાત, વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને સહાય વિતરણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.

આ સિવાય સરકાર થકી ગુજરાતની ૨૦ વર્ષની વિકાસ યાત્રા દર્શાવતા બે રથ જિલ્લા ભરના વિવિધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરશે. આ ઉપરાંત પ્રભાત ફેરી, યોગ કાર્યક્રમો, કીટ વિતરણ, પોષણલક્ષી વાનગી સ્પર્ધા, બાળકોના વિકાસ વૃદ્ધિ અંગે તપાસ, શાળાઓમાં ચિત્ર અને નિબંધ સ્પર્ધા, વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ, આયુષ્યમાન ભારત પી.એમ.જે.એ.વાય અંતર્ગત કાર્ડ વિતરણ કેમ્પ, નિરામય ગુજરાત અંતર્ગત આરોગ્ય કેમ્પ, કેવાયસી દ્વારા અપડેટેશન, વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભનું વિતરણ જેવા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અધિક કલેકટર બી.વી.લીંબાસીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એસ.જે.ખાચર, વેરાવળ પ્રાંત અધિકારી સર્યુબા જસરોટીયા, ઉના પ્રાંત અધિકારી રાવલ સહિત સબંધિત વિભાગના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article