પ્રેમ અંતઃકરણમાં જ હોય. એને આંખથી આંખમાં જોઇ શકાય. એ નિરઅવયવ, નિરાકાર, નિઃઅક્ષર હોઈ, કોઇ રીતથી વ્યક્ત થઇ શકે નહીં. આપણે શાબ્દિક કે વાચિક રૂપે વ્યક્ત કરવાની મથામણ કરી શકીએ માત્ર. અવ્યાખ્યાયિતની કોઇ શું વ્યાખ્યા કરી શકે ! પ્રેમ અનુભવ્ય પદાર્થ હોઈ, અનુભૂતિ પ્રમાણે સૌ એને માણી, પ્રમાણી શકે અને એ અનુભૂતિ મુજબ એના વિશે રજૂઆત કરી શકે. છતાંય પ્રેમ વિશે આંગળી મૂકીને કઇ કહી શકાય નહીં.
કોઈને આમ સમજાયો, કોઈને તેમ સમજાયો,
અઢી અક્ષર હતા તોયે ન પૂરો પ્રેમ સમજાયો.
તેમ છતાંય પ્રેમ એ તો વિશ્વ આખાને જોડી રાખતી રેશમ-કડી રૂપે છે. પ્રેમ એ સમગ્ર જીવ સમુદાયને ગમતી મીઠી ભાવ-સંપદા છે અને ધૃણા સામે ધરવાની સશક્ત ઢાલ પણ છે જે માનવીય સંબંધોને વેરવિખેર થતા બચાવે છે.
આવા અમુલ્ય પ્રેમનો મહિમા છેક માનવ – ઉત્પત્તિકાળથી આજ પર્યંત કવિઓએ જુદા જુદા રંગે રૂપે ગાયો છે. તેમ છતાં પરિપૂર્ણ રીતે વ્યક્ત થવો હજી બાકી છે અને રહેશે.
કંઇક અંદર અવ્યક્ત જેમ હશે,
એ જ તારા તરફનો પ્રેમ હશે.
પ્રેમ જેના ભીતરમાં પ્રવેશે એની દશા જ બદલાઇ જાય. એ પ્રેમ પછી ઈશ્કે – મિજાજી હોય કે ઈશ્કે – હકીકી, એકસરખી જ તડપ અને તાલાવેલી જોઇ શકાય. પ્રેમીના વાણી – વર્તન બદલી જાય એ જ પ્રેમની સાચી નિશાની છે.
પ્રેમ ચડ્યો પસલીભર જેને,
વાણીમાં વરતાઇ જવાના.
પ્રેમનું મહિમાગાન કરતા કરતા કવિ સ્વયંને એ જગ્યાએ ઊભો રાખીને જોવાની તમન્ના કરે જ્યાંથી વિશ્વ આખું પ્રેમનામી પટોળું દેખાય. મતલબ સઘળું જ પ્રેમમય. પ્રેમ સિવાય કંઇ પણ નહીં. આ સ્થિતિની ધાર પરથી કવિ સમગ્રને નિહાળતો હોય એ ધન્ય નજારાની તોલે બીજું શું હોઇ શકે !
વિશ્વને પ્રેમનું પટોળું કર,
ને એની રમ્ય કર કિનાર મને.
વ્યક્તિ વ્યક્તિ વચ્ચે, સમાજ સમાજ વચ્ચે, પ્રદેશ – દેશ – દુનિયા વચ્ચે જે અંતર હોય એને મિટાવી પરસ્પરને જોડી એકરસ, એકરૂપ કરી શકવાની એકમાત્ર ગુંજાઇશ પ્રેમમાં હોય છે. એટલે જ કવિ આવી મનીષા સેવે છે.
હું પણ રહું ન હું અને તું પણ રહે ન તું,
તસવીર એક બેઉની દોરાઇ જાય તો!
હેપ્પી વેલેન્ટાઇન ડે
Guest Author
~ હરજીવન દાફડા