અમદાવાદ : આજે વેલેન્ટાઈન ડેની ઉજવણીનો બજરંગ દળ અને વીએચપી કાર્યકર્તાઓ વિરોધ કરશે તેવી શક્યતાના પગલે જ શહેર પોલીસે આજે વહેલી સવારથી જ રિવરફ્રન્ટ સહિતના વિવિધ ગાર્ડનમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને યુવક અને યુવતીઓને ગાર્ડનમાં જતાં અટકાવતાં લોકોમાં ખાસ કરીને યુવાવર્ગમાં ભારે નારાજગી અને આક્રોશની લાગણી ફેલાઇ ગઇ હતી. બજરંગદળ અને વીએચપીથી ભયભીત પોલીસ પ્રેમીપંખીડાના પ્રેમમાં આજે વિલન તરીકે ભૂમિકા ભજવતાં સભ્યસમાજમાં પણ તેની ભારોભાર ટીકા અને નિંદા થઇ હતી.
વેલેન્ટાઇન ડેના દિને પ્રેમની અભિવ્યકિત કરવામાં અંતરાયરૂપ બનનાર પોલીસને યુવાહૈયાઓએ નિઃસાસા આપ્યા હતા. વેલેન્ટાઈન ડે પર દર વર્ષે કેટલાંક ધાર્મિક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવે છે. વિરોધની આ પ્રથાને જાણે પોલીસ અને તંત્રએ પણ સ્વીકારી લીધી હોય એવાં દૃશ્ય આજે અમદાવાદના રિવરફ્રન્ટ પર જોવા મળ્યાં હતા. આજે વેલેન્ટાઇન ડે હોઇ વહેલી સવારથી પ્રેમી યુગલો રિવરફ્રન્ટ પર એકબીજા સાથે સમય પસાર કરવા રિવરફ્રન્ટ ગાર્ડન પર આવ્યાં કે તુરત જ પોલીસે તેમને ગાર્ડનમાં જતાં રોક્યાં હતાં. પોલીસે નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં લેવાના બદલે જાણે બજરંગદળના કાર્યકરોની રક્ષા કરતી હોય તેમ જાતે જ રિવરફ્રન્ટ સહિત બાગ-બગીચામાંથી સવારથી યુગલોને ભગાડ્યાં હતાં. પોલીસ જાણે વીએચપી-બજરંગદળના કાર્યકરોનું કામ કરતી હોય તેમ ઉસ્માનપુરા ગાર્ડન ખાલી કરાવ્યો હતો. જો કે, આટલી હદે પોલીસની નમાલી ભૂમકાને લઇ સ્થાનિક નાગરિકોમાં ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો હતો, જેને લઇ વિવાદ ખાળવા પોલીસને છેવટે રિવરફ્રન્ટ ગાર્ડન પાસેથી વેલેન્ટાઈન ડે ઉજવણીનો વિરોધ કરી રહેલા રપ જેટલા કાર્યકરોની અટકાયત કરવાની ફરજ પડી હતી. આજે બજરંગદળના કાર્યકરો વિરોધ કરવા પહોંચ્યા તેમને મદદરૂપ થતી હોય તેમ પોલીસે પહેલાંથી જ ગાર્ડન ખાલી કરાવી રાખ્યો હતો.
બજરંગદળ દ્વારા શહેરના તમામ બગીચામાં જ્યાં યુવક-યુવતીઓ બેઠાં હશે તેમને ત્યાંથી ભગાડવામાં આવશે અને તેમને ભારતીય સંસ્કૃતિનું ભાન કરાવવામાં આવશે, જો હિંદુ યુવતી વિધર્મી યુવક સાથે ફરતી હશે તો તેના પિતાનો સંપર્ક કરવામાં આવશે તેવું એલાન કરાયું હતું. શહેરના બગીચા ઉપર બજરંગદળના કાર્યકરો વોચ રાખશે તેવું અગાઉથી નક્કી હતું. જો ક્યાંય પણ ખરાબ હરકતો કરતાં જોવા મળશે તો તેમની સામે તો પગલાં ભરાશે તથા ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાના માટેનાં પગલાં ભરાશે અને પશ્ચિમી સંસ્કૃતિનો વિરોધ કરવામાં આવશે. ગત વર્ષે પણ બજરંગદળના કેટલાક લોકોએ જાહેરમાં ગુંડાગીરી આચરીને કાયદો હાથમાં લીધો હતો. અચાનક ગાર્ડનમાં કે રિવરફ્રન્ટ પર બેસેલાં યુગલો પર લાઠીઓ વરસાવીને તેમને રિવરફ્રન્ટ પરથી ભગાડ્યા હતા.
પ્રેમી યુગલો પણ બજરંગદળના કહેરથી બચવા માટે રિવરફ્રન્ટ પર નાસભાગ કરતા જોવા મળ્યા હતા. જેને લઇ પ્રેમીપંખીડાઓમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ ગઇ હતી. બીજીબાજુ, સભ્યસમાજના કેટલાક જાગૃત લોકોએ પોલીસની ભૂમિકાની આકરી નિંદા અને ટીકા કરતાં જણાવ્યું હતું કે, યુવાન હૈયાઓ તેમની ઉમંર છે એટલે, એ ઉમંરમાં પ્રેમ ના કરે તો શું ઘરડા થશે ત્યારે પ્રેમ કરશે..યુવાન હૈયાઓને તેમના પ્રેમની અભિવ્યકિત કરવા દેવી જોઇએ અને એ તેમનો અધિકાર છે. ખાસ કરીને આજે તો વેલેન્ટાઇન ડે પ્રેમીઓનો દિવસ છે ત્યારે તેમાં કોઇએ અંતરાયરૂપ બનવાની જરૂર ના હોય. પ્રેમીઓને તેમના પ્રેમની અભિવ્યકિત કરવાની આઝાદી હોવી જોઇએ તે વાસ્તવિકતા છે.