નવી દિલ્હી : ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની હાલત ખુબ જ ગંભીર બનેલી છે. તેમને હાલમાં ફુલ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. એમ્સ તરફથી જારી કરવામાં આવેલા બુલેટિનમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમની હાલત હાલમાં ખુ જ ખરાબ છે. આજે સવારે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ તેમની તબિયત અંગે માહતી મેળવી લેવા માટે પહોંચ્યા હતા.
ગઇકાલે મોડી રાત્રે વડાપ્રધાન પણ અટલ બિહારી વાજપેયીને મળવા માટે પહોંચ્યા હતા. મોદી રાત્રે નવ વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા. મોદી આશરે ૧૦ મિનિટ સુધી હોસ્પિટલમાં રહ્યા હતા. વાજપેયીની સારવાર કરી રહેલા તબીબોને મોદી મળ્યા હતા. મોદી ઉપરાંત છ કેન્દ્રિય પ્રધાનો પણ પહોંચ્યા હતા. જેમાં જીતેન્દ્રસિંહ, રાજનાથ સિંહ, સ્મૃતિ ઇરાની, સુરેશ પ્રભુનો સમાવેશ થાય છે. વાજપેયી છેલ્લા નવ સપ્તાહથી એમ્સમાં દાખલ છે. જો કે હાલમાં તેમની સ્થિતિ એકદમ વણસી ગઇ હતી. વાજપેયીને કેટલીક તકલીફ રહેલી છે. તેઓ વેન્ટીલેટર સપોર્ટ પર છે. આઇસીયુમાં તબીબોની એક ટીમ તેમના પર નજર રાખી રહી છે.
૯૩ વર્ષીય વાજપેયી પર ૨૦૦૯માં સ્ટ્રોકનો હુમલો થયો હતો. ત્યારબાદ તેમની વિચારવા અને સમજવાની ક્ષમતા ઘટી ગઇ હતી. ત્યારબાદ તેઓ ડિમેશિયાથી ગ્રસ્ત બની ગયા હતા. જેમ જેમ તેમની તબિયત ખરાબ થઇ રહી હતી તેમ તેમ તેઓએ જાહેર જીવનથી પોતાના દુર કરી લીધા હતા. વાજપેયી ત્રણ વખત દેશના વડાપ્રધાન તરીકે રહ્યા હતા. પ્રથમ વખત ૧૯૯૬માં તેમની સરકાર બની હતી. તેમની સરકાર ૧૩ દિવસમાં જ ગબડી ગઇ હતી. વર્ષ ૧૯૯૮માં બીજી વખત તેમની સરકાર બની હતી ત્યારબાદ ૧૩ મહિના સુધી ચાલી હતી. અને વર્ષ ૧૯૯૯માં ત્રીજી વખત તેમની સરકાર બની હતી ત્યારે પાંચ વર્ષ સુધી ચાલી હતી. પાંચ વર્ષની અવધિ પૂર્ણ કરનાર તેઓ પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન રહ્યા હતા. ભાજપના સૌથી સર્વોચ્ચ લીડર તરીકે તેમને ગણવામાં આવે છે.