વડોદરા શહેરના લક્ષ્મીપુરા ગોરવા રોડ પર આવેલા શિવાલય બંગલોઝમાં રહેતા યુવાન કોન્ટ્રાક્ટર અને તેની પત્નીએ ભીમપુરા નજીક મેલડી માતાના મંદિર પાસે પોતાની કારમાં જ ઝેર ગટગટાવી લેતા કોન્ટ્રાક્ટરનું ટુંકી સારવાર બાદ મોત થયુ હતુ, જ્યારે તેની પત્નીની હાલત ગંભીર છે અને હાલમાં સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ ઘટનાની વિગત એવી છે કે કોન્ટ્રાક્ટર વિવિધ બિલ્ડરો પાસે સિવિલ અને મેનપાવર સપ્લાયનું કામ કરતો હતો અને બિલ્ડરો પાસેથી બાકી નીકળતા રૂ. ૫ કરોડની લેણી રકમ આપવામાં બિલ્ડરોએ હાથ અધ્ધર કરી દેતા દેવાના બોજ તળે દબાયેલા કોન્ટ્રાક્ટર અને તેની પત્નીએ આ પગલુ ભર્યુ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગોરવા-લક્ષ્મીપુરા રોડ પર રામી વિદ્યાલયની બાજુમાં આવેલા શિવાલય બંગલોઝમાં રહેતો અલ્પેશ વિનુભાઇ ઠક્કર (ઉ.૪૦) અને તેની પત્ની હિના (ઉ.૩૮) કાલે સાંજે ૬ વાગ્યાના અરસામાં કાર લઇને સિંધરોટથી આગળ આવેલા ભીમપુરા સમલાયા રોડ પર પહોંચ્યા હતા અને ત્યાં આવેલા મેલડી માતાના મંદિરની નજીક કાર પાર્ક કરીને બન્નેએ ઝેર પી લીધુ હતું. ઝેરી પીધા બાદ અલ્પેશે તેના સાળા હિમાંશુને ફોન કરીને પોતે તથા હિનાએ ઝેર પી લીધુ હોવાની જાણ કરી હતી. જેથી હિમાંશુ અને અન્ય સંબંધીઓ તુરંત ભીમપુરા રોડ પર પહોંચ્યા હતા. તેઓ પહોંચ્યા ત્યારે અલ્પેશ અને હિના બન્ને ભાનમાં હતા અને બિલ્ડરો રૂ. ૫ કરોડ જેટલી લેણી રકમ આપતા નહી હોવાથી ટેન્શનમાં આવીને આ પગલુ ભર્યુ હોવાનું કહ્યું હતું.
અલ્પેશ અને હિનાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં અલ્પેશનું મોડી રાત્રે ૩.૩૦ વાગ્યે મોત થયું હતું, જ્યારે હિનાની હાલત ગંભીર છે. ઉલ્લેખનિય છે કે આ દંપતિને સંતાનોમાં ૧૦ વર્ષની પુત્રી તનિશા અને ૭ વર્ષનો પુત્ર દેવાંશ છે.