અમદાવાદ : વડોદરા શહેરની આજવા ચોકડી પાસે ગઇકાલે વરસાદી વાતાવરણ વચ્ચે બાઇક પર જઇ રહેલા બે યુવકોની બાઇક સ્લીપ ખાઇ જતા ડિવાઇડર સાથે જોરદાર રીતે અથડાઇ હતી. આ ગંભીર અકસ્માતમાં આજવા રોડના બે યુવાનોના મોત નીપજ્યાં હતા. જેને પગલે સમગ્રવિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને બંને યુવકોના મોતને લઇ પંથકમાં ભારે અરેરાટની લાગણી પ્રસરી ગઇ હતી. સ્થાનિક પોલીસે આ બનાવ અંગે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા શહેરના આજવા રોડ ઉપર ચાંમુડા નગર-૨માં રહેતો પુષ્પેન્દ્ર હરેરામ ગુપ્તા(ઉ.વ.૨૫) અને સયાજી પાર્ક પાસે રહેતો દિલીપ તેરસિંગ ગુપ્તા (ઉ.વ.૨૫) રક્ષાબંધનના દિવસે બાઇક ઉપર વાઘોડિયા ચોકડીથી આજવા ચોકડી તરફ આવી રહ્યા હતા. દરમ્યાન વરસાદના કારણે બાઇક સ્લિપ ખાઇ જતા ડિવાઇડર સાથે અથડાતાં બંને યુવકો બાઇક પરથી ફંગોળાઇ ગયા હતા. જેમાં બે પૈકી એક યુવકનું સ્થળ પર મોત નીપજ્યું હતું.
જ્યારે બીજાને ગંભીર ઇજા પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે બાપોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં બે યુવકોના મોતને પગલે ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.