વડોદરાના નવા કોર્ટ બિલ્ડીંગમાં ૧૪૧ કરોડ રૂપિયાના ખર્ચે વડોદરામાં બંધાયેલા નવા કોર્ટ કોમ્પલેક્ષમાં વકીલોની બેઠક વ્યવસ્થાના મુદ્દે કોર્ટનાં પ્રથમ દિવસથી જ હડતાળ શરૂ થઈ હતી અને કેટલાક વકીલો આમરણાંત ઉપવાસ પર પણ ઉતર્યા હતા.
ગઈકાલે હાઈકોર્ટના ચીફ જસ્ટીસ દ્વારા દાખવવામાં આવેલા હકારાત્મક અભિગમને ધ્યાને લઈ વકીલો આગામી સોમવારથી રાબેતા મુજબ કોર્ટ કાર્યવાહી શરૂ કરી દેશે. ગઈકાલે વકીલોનું એક ડેલીગેશન હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસને મળ્યુ હતુ. જેમાં ચીફ જસ્ટીસને હકારાત્મક અભિગમ દાખવ્યો હતો.
આજે હડતાળ અંગેનો નિર્ણય કરવા માટે વકીલ મંડળની તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. વકીલ મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસના આશ્વાસન બાદ કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર બંધ કરાયો છે. બેઠક વ્યવસ્થા માટેની રજૂઆત માટે એક કમિટી બનાવવામાં આવી છે. જે કમિટીમાં સીનિઅર વકીલોની નિયુક્તિ કરવામાં આવી છે. આ કમિટી વકીલમંડળને સાથે રાખીને હાઈકોર્ટનાં ચીફ જસ્ટીસને રજૂઆત કરશે. તે ઉપરાંત ટેબલ -ખુરશી માટે પણ એક ટેબલ કમિટી બનાવવામાં આવી છે.
સોમવારે આ કમિટિ અંગેનો ઠરાવ કરીને હાઈકોર્ટમાં સુપરત કરવામાં આવશે. બાર રૂમને તાળુ મારીને તેની ચાવી ડિસ્ટ્રીકટ જજને સોંપવામાં આવશે. છત્રી અને શેતરંજીનો ઉપયોગ વ્યવસ્થાનો એક ભાગ હોવાનું પ્રમુખે જણાવ્યું છે. તાકીદની બેઠક પછી ઉપવાસ પર બેઠેલા વકીલોને સીનિયર વકીલો દ્વારા પારણા કરાવવામાં આવ્યા હતા. અને હડતાળ પૂરી કરવામાં આવી હોવાની જાહેરાત થઈ હતી.