રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલના ખાસ ગણાતા ઉદ્યોગપતિ અમિત ભટનાગરની વડોદરા સ્થિત કંપની ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી. સામે રૂ.૨૬૫૪.૪૦ કરોડના બેંક લોન અને ક્રેડિટ કૌભાંડમાં સીબીઆઇએ ક્રિમિનલ કેસ નોંધીને આજે વડોદરામાં આવેલી ઓફિસો, પ્લાન્ટ, અને નિવાસ સ્થાન પર દરોડા પાડયા હતા.
જો કે અમિત ભટનાગર ફરાર થઇ ગયા હતા, પરંતુ સીબીઆઇના અધિકારીઓએ કંપનીના અન્ય ડાયરેક્ટરો અમિત ભટનાગરના પિતા સુરેશ ભટનાગર, ભાઇ સુમિત ભટનાગર, અમિત ભટનાગરના પત્ની મોના ભટનાગરની ઘનિષ્ઠ પૂછપરછ કરી હતી અને થોકબંધ દસ્તાવેજો કબજે લીધા હતા.
સીબીઆઇએ આ દરોડોમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના અધિકારીઓ અને બેંક અધિકારીઓને પણ સાથે રાખ્યા હોવાનું જાણવા મળે છે. જો કે સીબીઆઇની ટૂકડી આજે સવારે ત્રાટકી ત્યારે અમિત ભટનાગર તેમના નિવાસ સ્થાને કે ઓફિસ અને પ્લાન્ટ એમ કોઇ સ્થળે મળી આવ્યા ન હતા મતલબ કે તેઓને પહેલેથી જ આ દરોડાની જાણ થઇ હોવી જોઇએ એટલે તેઓ ફરાર થઇ ગયા હતા.