“તુ આને છોડી દે એ મારી છે,” યુવતીના મંગેતર પર પૂર્વ મંગેતરે કર્યો હુમલો, આપી હત્યાની ધમકી

Rudra
By Rudra 1 Min Read

વડોદરા : વડોદરાના માંજલપુર અલવાનાકા સોમનાથ નગરમાં રહેતો 22 વર્ષનો ભાવેશ દિલીપભાઈ વાઘેલા બંસલ મોલની બાજુમાં જીલિયોન લેન્ડમાર્ક કોમ્પલેક્ષમાં દિવ્ય જલ સર્જીકલ નામની દુકાન ચલાવે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તરસાલી વિસ્તારમાં રહેતી યુવતી સાથે મારી સગાઈ નક્કી થઈ હતી. આ યુવતીએ મને કહ્યું હતું કે અગાઉ મારી સગાઈ કેયુર ગોપાલભાઈ તડવી (હાલ રહે-ધનલક્ષ્મી કોમ્પલેક્ષ માંજલપુર, મૂળ રહે-કેવડીયા) સાથે થઈ હતી, પરંતુ અમને બંનેને બનતું ન હોવાથી સગાઈ તૂટી ગઈ હતી.

ગઈકાલે રાત્રે હું યુવતીને લઈને મારા બાઈક પર તેના ઘરે મૂકવા માટે ગયો હતો તે સમયે કેયુર તેના મોપેડ પર અમારો પીછો કરતો હતો. સૂશેન રોડ પર આવેલી ઓક્ઝિલિયન સ્કૂલ પાસે તેણે મને ઊભો રાખ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે તું આને છોડી દે તે મારી છે અને મને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેણે હાથમાં પહેરેલું કડું મારા માથાના પાછળના ભાગે તથા જમણા હાથ પર મારી દેતા મને લોહી નીકળવા લાગ્યું હતું. યુવતીએ બૂમો પાડતા લોકો ભેગા થઈ ગયા હતા અને હુમલાખોર ત્યાંથી ભાગી ગયો હતો.

Share This Article