વડોદરા : નાગરિક સંરક્ષણ કચેરીમાંથી છૂટા કરાયેલા કર્મચારી દ્વારા મહિલા કર્મચારીનો પીછો કરી એસિડ એટેકની ધમકી આપનાર સામે રાવપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કારેલીબાગ હરિભક્તિની ચાલીમાં રહેતા જ્યોતિબેન ભરતબાઇ બારોટ ત્રણ સંતાનો સાથે રહે છે. તેમના પતિનું વર્ષ – ૨૦૧૦માં અવસાન થયું છે. રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું જૂની કલેક્ટર કચેરી ખાતે નાગરિક સંરક્ષણની કચેરીમાં આઉટ સોર્સ કર્મચારી તરીકે નોકરી કરું છું. રાતે સયાજી હોસ્પિટલમાં રૂક્ષ્મણી ચૈનાની પ્રસૂતિ ગૃહ ખાતે પ્રાઇવેટ સિક્યુરિટીમાં નોકરી કરું છું. નાગરિક સંરક્ષણ કચેરી ખાતે માનદ વેતન તરીકે 56 માણસો કામ કરતા હતા. જેઓની નોકરી શહેર ટ્રાફિક વિભાગમાં ઘણા લાંબા સમયથી લેવામાં આવતી હતી. પરંતુ, તેઓને છૂટા કરવા જણાવ્યું હતું અને ટ્રાફિકમાં તેઓની ફરજ લેવાનું બંધ થતા જાન્યુઆરી – 2024થી તેઓને છૂટા કરવામાં આવ્યા હતા. આ 56 માણસો પૈકી મુકેશ નટુભાઇ ઠક્કરને પણ છૂટા કર્યા હતા.
આ અંગે તેઓને મનદુખ થતા તેઓ અવાર – નવાર મારી સાથે બોલાચાલી કરતા હતા. મેં તેઓને વારંવાર સમજાવ્યા હતા કે, તમને સેવામાંથી છૂટા કરવા બાબતે અમારી પાસે કોઇ અધિકાર નથી. તમને નાગરિક સંરક્ષણની માનદ સેવામાંથી છૂટા કર્યા નથી. પરંતુ, ટ્રાફિક વિભાગમાં તમારી સેવા લેવાની ના પાડતા ટ્રાફિકમાંથી છૂટા કરવામાં આવ્યા છે. તેમ છતાંય મારી સાથે બોલાચાલી કરતા હતા અને અમારી વિરૃદ્ધ નાગરિક સંરક્ષણ કચેરી અમદાવાદ તેમજ વડોદરા ખાતે ઓફિસમાં અરજીઓ કરી હતી. જેના કારણે તેઓને નાગરિક સંરક્ષણ સેવામાંથી પણ છૂટા કરવામાં આવ્યા હતા. તેમ છતાંય હું જ્યાં નોકરી કરું છું. ત્યાં મારા ઇન્ચાર્જ અંકુરભાઇ બારોટને ફોન કરીને મને નોકરીમાંથી છૂટા કરવાની વાતો કરતા હતા. હું જ્યારે પણ નોકરી જઉં ત્યારે મારી આગળ પાછળ આવતા હતા. મેં તેઓની વિરૃદ્ધમાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. પોલીસે અટકાયતી પગલા લીધા હતા. ત્યારબાદ પણ મને ગાળો બોલી એસિડ એટેકની ધમકી આપી હતી.