વડોદરા : જેસીબી મશીનના ટાયર નીચે બાળક કચડાયો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વડોદરા શહેરના વડસર બ્રીજ નજીક આવેલી અક્ષર રસિડેન્સીમાં રહેતા સંજય સાહુના ૧૨ વાગ્યાના અરસામાં માંજલપુર સ્થિત અંબે સ્કૂલમાં અભ્યાસ કરતા સાડા ચાર વર્ષના પુત્ર અનચરિતીકને લેવા માટે પહોંચ્યાં હતા. પુત્રને સ્કૂલથી લઇને માતા-પુત્ર બન્ને એક્ટિવા પર ઘરે જવા માટે નીકળ્યા હતા. દરમ્યાન વડસર બ્રીજ પરથી પસાર થતા સમયે બેફામ રીતે હંકારી રહેલા હાઇડ્રા જેસીબીના ચાલકે એકટીવાને અડફેટે લીધુ હતુ, જેને પગલે માતા અને પુત્ર બંને જમીન પર જોરદાર રીતે પટકાયા હતા, એટલામાં તો, હાઇડ્રા જેસીબીનું પાછળનુ મોટુ વ્હીલ સાડા ચાર વર્ષ માસૂમ બાળકના માથા ઉપર ફરી વળ્યું હતું. હાઇડ્રાનુ ભારે ભરખમ ટાયર માસૂમ બાળકના માથા ઉપર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. માતાની નજર સામે જ પુત્રએ અંતિમ શ્વાસ લેતા તે બેભાન થઇ ઢળી પડી હતી. અકસ્માતને પગલે રાહદરીઓની ભારે ભીડ એકઠી થતાં બેભાન થઇ ગયેલી મહિલાને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી.

ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં અવારનવાર નો-એન્ટ્રીના સમયે બેફામ ફરતા ભારદારી વાહનો પર અકુંશ મેળવવામાં શહેર ટ્રાફિક પોલીસ સદંતર નિષ્ફળ સાબિત થઇ છે. પોલીસે સમગ્ર બનાવ અંગે જરૂરી તપાસ હાથ ધરી હતી.

Share This Article