વેકેશનનો સમય શરુ, ધીંગા મસ્તી અને મોજે દરિયા, બધું જ રીલેક્ષ મોડ પર, ટાર્ગેટ વગરની દુનિયામાં ખુલ્લે આમ ફરી શકાય એવો સમય, અને એમ કહીએ કે સાવ નવરા… તો ખોટું પણ નઈ!!!, બસ પરિણામની રાહ જોવાતી હશે…!!
એ સમજણ કેળવવાનો સમય આવી ગયો છે કે જિંદગી એ બે પ્રકારે પસાર થતી હોય છે, જિંદગીની સફરમાં કોઈ પેસેન્જર બનીને ગાડીની પાછળની સીટ પર બેસે છે જયારે કોઈ ડ્રાઈવર બનીને ગાડીની આગળની સીટ પર… નક્કી આપણે કરવાનું છે કે ગાડીની પાછલી સીટ પર બેસીને લોકોની પ્રવૃત્તિમાં ડોકિયું કરવું છે, બારીની બહારની દુનિયાને જોતા રહેવું છે, બીજા પેસેન્જર્સ સાથે ગોષ્ટી કરવી છે, નાની નાની વાતોમાં ચંચુપાત કરવો છે, વ્યસન કરવું છે, ચાલુ ગાડી એ મોટેથી ગીતો ગાવા છે, નાચવું છે, છાપું વાંચવું છે કે કોઈની સાથે મસ્તી કરવી છે? કે પછી આરામ કરવો છે? આ બધું તમે કરી શકો છો કારણકે તમે તમારી પસંદગી પેસેન્જર તરીકે કરી છે, આપણી ગાડીનું સ્ટેરીંગ આપણે કોઈ બીજાના હાથમાં સોંપ્યું છે, કદાચ એટલે જ આપણે આપણા ઉદ્દેશ સુધી પહોંચવામાં મોડા પડીએ છીએ.
જિંદગીની સફર આપણે જાતે ખેડવાની હોય છે આ સફરમાં પેસેન્જર નહિ ડ્રાઈવર બનીને સ્ટેરીંગ આપણા હાથમાં રાખવાનું છે, એક ડ્રાઈવર ચાલુ પ્રવાસે આ બધું નથી કરી શકતો કારણકે એને સમયસર ક્યાંક પહોંચવાનું હોય છે, આપણે પણ આપના લક્ષ્ય સુધી પહોંચવું છે તો જિંદગીની ગાડીના ડ્રાઈવર બનીને ઉદ્દેશ સુધી પહોંચવા એકાગ્રતા કેળવવી પડશે, પ્રવાસમાં આરામ થોડા સમય માટેનો હોઈ શકે પણ આરામ કાયમીનાં બની જાય એ જોવાની જવાબદારી આપણી પોતાની છે, એકાગ્રતા અને પ્રવાસમાં સતત આગળ વધતા લોકો જ પોતાની મંજિલે સમયસર પહોંચી શકે છે.
ક્યાંક આપણે વેકેશનનાં સમય ને થોડાક અંશે આરામનો ભાગ સમજવાના બદલે સંપૂણ આરામનાં મોડ પર તો જિંદગીને મૂકી નથી દીધીને એ ચકાસવા જેવું ખરું!!! રીલેક્ષ મૂળ માંથી બહાર આવીને આવનારા સમય ને વધુ હિતકારી અને ઉપયોગી કેવી રીતે બનાવી શકાય એ વાત પર ધ્યાન આપવું જોઈએ, આવનાર સમયને તમે તમારી કારકિર્દી માટે સુંદર આકાર આપવા ઈચ્છો છો તો જિંદગી ના પેસેન્જર નહિ પણ ડ્રાઈવર બનાવવામાં જ સાચી સમજ છે…..
છેલ્લે…. ગાંડીવ- ધનુષ ભલે અર્જુનના હાથમાં હોય પણ સારથીની કુશળતા જ યુદ્ધ જીતાડે છે…
નિરવ શાહ