અમદાવાદ : ગુજરાત સહિત દેશભરમાં અસહ્ય ગરમીનું મોજુ ફરી વળ્યું છે ત્યારે હજુ વધુ ગરમી પડવાની આગાહી વચ્ચે ગુજરાતભરની શાળાઓમાં વેકેશન લંબાવવા માટે વાલી મંડળ દ્વારા રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. બીજીબાજુ, શાળા સંચાલક મંડળ દ્વારા વેકેશન લંબાવવા સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જો કે, આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજયની શાળાઓમાં વેકેશન નહીં લંબાવવાનો સરકારનો નિર્ણય જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આગામી તા.૧૦ જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે.
થોડાક સમય પહેલા શિક્ષણમંત્રીને ઉનાળુ વેકેશન તા.૧૭મી જૂન સુધી લંબાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી, કારણ કે હાલ ઉનાળાની ધોમધખતી ગરમી છે તો બીજી બાજુ તક્ષશિલા અગ્નિકાંડને લઈને કેટલીક શાળાઓમાં ફાયર સેફટીને લઈ તોડફોડ અને કાર્યવાહી ચાલી રહી છે ત્યારે શાળાઓના શિક્ષણ કાર્ય અને વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઇ ખલેલ કે અંતરાય ના સર્જાય વાલીમંડળ તરફથી શાળાઓમાં વેકેશન લંબાવવા માંગણી કરી હતી. પરંતુ રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક નિવેદનમાં સ્પષ્ટ કરી દીધુ હતું કે, શાળાઓમાં ઉનાળુ વેકેશન લંબાવવામાં આવશે નહીં. વળી આગામી તા.૧૩ થી ૧૫ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવશે. આકાશમાંથી અગન ગોળાઓ વરસી રહ્યા હોવાથી બાળકો સનસ્ટ્રોકનો ભોગ બને નહિં તે માટે ઉનાળું વેકેશન લંબાવવામાં આવે તેવી માંગણી વાલીમંડળે ઉઠાવી હતી. તો બીજી તરફ વેકેશન લંબાવવાનો શાળા સંચાલક મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. હવામાન વિભાગ મુજબ, આગામી દસેક દિવસ સુધી આકરી ગરમી પડવાની છે.
ઉનાળું વેકેશન પૂર્ણ થવા આડે એક સપ્તાહનો સમય પણ બાકી નથી, ત્યારે દેહ દઝાડતી ગરમી વચ્ચે જો આગામી દિવસોમાં શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે તો બાળકોને ગરમી કે લૂની અસર થવાની પણ શકયતા સેવાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થવા આડે ગણતરીના દિવસો છે ત્યારે સ્કુલ મેનેજમેન્ટ દ્વારા એક સપ્તાહ સુધી વેકેશનને લંબાવી દેવાની માંગ હાલમાં કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને તમામ પ્રકારની બેસવાની વ્યવસ્થા કરી દેવા માટે આ પ્રકારની માંગ કરવામાં આવી હતી.
સુરતમાં ક્લાસીસમાં અગ્નિકાંડની ઘટના બન્યા બાદ સિવિક સત્તાવાળાઓ દ્વારા ગુજરાતભરમાં સેંકડો સ્કુલોમાં કામચલાઉ અને કાયમી શેડને તોડી પાડવામાં આવ્યા બાદ જટિલ સ્થિતિ સર્જાઈ ગઇ હતી. આવી સ્થિતિમાં ગુજરાત સ્કુલ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા લેખિતમાં પત્ર લખીને રાજ્ય સરકાર સમક્ષ આ મુજબની માંગ કરવામાં આવી હતી. આશરે એક સપ્તાહ સુધી ઉનાળા વેકેશનને લંબાવી દેવાની પરવાનગી માંગવામાં આવી હતી. સિવિક સત્તાવાળાઓ દ્વારા કામચલાઉ અને કાયમી શેડ હાલમાં દૂર કરવામાં આવ્યા હતા. વાલી મંડળ તરફથી રજૂઆત અને સ્કુલ મેનેજમેન્ટ તરફથી માંગ કરવામાં આવ્યા બાદ આ સંદર્ભમાં બેઠક યોજાઈ હતી જેમાં તમામ પાસાઓ ઉપર વિચારણા કરાયા બાદ સ્કુલોમાં વેકેશનને લંબાવવાની માંગણીને ફગાવી દેવામાં આવી હતી.