વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ વાત્સલયા અંતર્ગત કપડાઓનું વિતરણ
કપડા વિતરણ કરી યુવાઓએ નિભાવી પોતાની સામાજીક ફરજ
શિયાળો પોતાના પૂરા રંગમાં આવી ગયો છે, સમગ્ર જનજીવન ઠંડીમાં ધ્રુજે છે, ત્યારે આપણે તો ઘરમાં ગરમ કપડા પહેરી ગરમ ધાબળામાં શરીર છૂપાવી આરામથી ઉંઘ લઇએ છીએ. પણ ક્યારેય વિચાર આવ્યો છે કે જેઓ શહેરમાં પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે નાના પરિવાર સહિત મજૂરી કરવા આવે છે અને રસ્તાની બાજુ પર તાડપત્રી કે અન્ય વસ્તુઓનો સહારો લઇ ઝૂંપડા બનાવી રહે છે.
ઠંડીમાં ધ્રુજતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને ઠંડીમાં રક્ષણ મળે તે માટે કપડા વિતરણ કરવાનો વિચાર વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો અને છેલ્લા કેટલાક વર્ષોથી પ્રોજેક્ટ વાત્સલયા અંતર્ગત આવા લોકો સુધી પહોંચી કપડાનું વિતરણ કરે છે.
આ વર્ષે વિ હેલ્પ ફાઉન્ડેશને બે તબક્કામાં આ કાર્યને પૂર્ણ કર્યું છે અને ત્રીજા તબક્કાના ભાગરૂપે શનીવારે સાંજે થલતેજ વિસ્તારમાં આવા ૩૦૦થી વધુ લોકોને કપડાનું વિતરણ કર્યું. જેમાં નાના બાળકોને કપડા અને મહિલાઓ માટે સાડીઓ તથા પુરૂષો માટેના કપડાનો સમાવેશ થાય છે. આ ઉમદા કાર્યમાં ૨૦થી વધુ કાર્યકરોએ પોતાની સેવા આવી હતી.
આ વિશે વધુ માહિતી આપતા વિ હેલ્પ ફાઉન્ડેશન તરફથી કામીની મ્હાત્રેએ જણાવ્યું કે અમે છેલ્લા ઘણાં વર્ષો પ્રોજ્કેટ વાત્સલયા અંતર્ગત જરૂરીયાતમંદ લોકોને કપડાનું વિતરણ કરીએ છીએ. આ વર્ષે આ ત્રીજા તબક્કા સુધીમાં આશરે ૨૫૦૦ જેટલા લોકો સુધી અમે પહોંચ્યા છીએ, અને હજુ પણ આવનારા દિવસોમાં આ કાર્યક્રમ યથાવત ચાલું રહેશે.
તેઓએ વધુમાં જણાવ્યું કે આ પ્રોજેક્ટ અંતર્ગત અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ પાસે બીનઉપયોગી હોય તેવા કપડા કે અન્ય વસ્તુઓ વિ હેલ્પ ફાઉન્ડેશનના માધ્યમથી જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચાડે. લોકો તરફથી મળતા કપડાને અમારા કાર્યકરો વ્યસ્થિત રીતે સાઇઝ પ્રમાણે પેક કરે છે અને પછી અમે તેને લોકો સુધી પહોંચાડીએ છીએ. આ વર્ષે અમે ૬ સેન્ટર ખોલ્યા હતા જેને લોકો દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આ સાથે અમારી સાથે અનેક કોર્પોરેટ સ્ટાફ પણ પોતાના શ્રમનું દાન કરે છે. જેમાં શેરખાન, એલ એન્ડ ટી, બ્રાંડપાપા, વગેરેનો સમાવેશ થાય છે.