ઉત્તરાયણની સાથે સાથે…..

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : મોદી, રાહુલ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પતંગની ધૂમ આ વખતના ઊત્તરાયણમાં લઇ પતંગ-દોરીના બજારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પંતગોનું ખાસ આકર્ષણ અને ધૂમ વેચાણ જાવા મળ્યું હતું. એક રીતે કહીએ તો, પતંગ બજારમાં પણ મોદી અને રાહુલ વચ્ચે રાજકીય પેચ જાવા મળ્યા હતા. મોદી અને રાહુલના પતંગના વેચાણમાં સારી એવી ઘરાકી વેપારીઓને થઇ હતી. આ વખતે પતંગ-દોરી બજારમાં અવનવી ટોપી અને મોઢા પર પહેરવાના અવનવા ચહેરા સહિતનો નવો કન્સેપ્ટ માર્કેટમાં જાવા મળ્યો હતો. તો પતંગ બજારમાં  સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો-બેટી પઢાઓ, મેરા ભારત મહાન, વ્યસન મુક્તિ, ધુમ્રપાન છોડો સહિતના સામાજિક સંદેશા આપતાં પતંગો પણ વેચાતા જાવા મળ્યા હતા. જાગૃત નાગરિકોએ આવા સામાજિક સંદેશો ફેલાવતાં પતંગોની પણ સારી એવી ખરીદી કરી હતી.

એકબાજુ ઊતરાયણના તહેવારને લઇ પતંગરસિયાઓમાં જોરદાર ઉત્સાહ અને ઉમંગ જાવા મળી રહ્યો છે તો બીજીબાજુ, રાજય સરકાર અને જીવદયા પ્રેમી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પશુ-પક્ષીઓના જીવને હાનિ ના પહોંચે અને કોઇ નિર્દોષ અબોલ જીવની હિંસા ના થાય તે પ્રકારે તહેવારની ઉજવણી કરવા કરૂણા અભિયાનથી માંડી જીવદયા અને રક્ષાના અભિયાન શરૂ કરવામાં આવ્યા છે. સરકારના કરૂણા અભિયાનમાં પ્રણામ ગ્રુપ, સંવેદના ગ્રુપ, સંવેદના ફાઉન્ડેશન, ચંદ્રેશ પટેલ ઇન્ટરનેશનલ એન્વાયર્નમેન્ટ ફાઉન્ડેશન સહિત ૨૭૦ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જાડાઇ છે.

ચંદ્રેશ પટેલ ઇન્ટરનેશનલ એન્વાયર્નમેન્ટ ફાઉન્ડેશનના ફાઉન્ડર ચંદ્રેશ પટેલે પ્રજાજનોને નમ્ર અનુરોધ કર્યો છે કે, ઊતરાયણના તહેવાર દરમ્યાન પક્ષીઓ વહેલી સવારે અને સાંજના સમયે આકાશમાં વધુ વિહરતા હોય તો બે કલાક પતંગ ચગાવવામાં નિયંત્રણ રાખવા અને શકય હોય તો પતંગ ચગાવવાનું ટાળવા પણ અપીલ કરી છે. છેલ્લા કેટલાક વર્ષોથી પક્ષીઓ બચાવવાના ચાલી રહેલા અસરકારક અભિયાનને પગલે પશુ-પક્ષીઓની જાનહાનિમાં નોંધપાત્ર પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. તેને લઇને જ આ વખતે ઊતરાયણના તહેવાર પહેલા ખુલ્લા ગગનમાં પ્રમાણમાં ઓછા પતંગ જાવા મળી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ખાસ તો, ઊત્તરાયણ પૂર્ણ થઇ જાય પછી ઝાડ-થાંભલા કે અન્ય સ્થળોએ ભરાયેલી દોરી તોડી કાઢી નાંખવી અને તેનો નાગરિકોએ નિકાલ કરવો કારણ કે, તેમાં ફસાઇ જવાથી મહત્તમ પક્ષીઓ ઇજાગ્રસ્ત અથવા મોતને ભેટે છે. તેથી આવી લટકેલી દોરીઓનો તાત્કાલિક નિકાલ કરવા જાહેર અપીલ છે.

Share This Article