રાજકોટ :ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરકાશીમાં બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા રાજકોટના કમનસીબ યાત્રીઓના વારસદારોને પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. વિજય રૂપાણીએ આજે રાજકોટમાં આ મૃતકોના સ્વજનોને પ્રત્યક્ષ મળીને સાંત્વના પાઠવી હતી અને તેમના દુઃખમાં સહભાગી થયા હતા. ઉત્તરકાશીમાં ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને લાવવામાં આવ્યા બાદ તેમના પરિવારમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું.
આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે લોકો ભાવનાશીલ બન્યા હતા. એક સાથે અનેક અર્થી ઉઠતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. રાજકોટથી ચારધામની યાત્રાએ નીકળેલા યાત્રિકોની બસ શુક્રવારે સાંજે ગંગોત્રી દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની મિનિબસ ઉત્તરાખંડના ભીરવાડીથી ૧૦ કિ.મી.દૂર ૬૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. ગોઝારા અકસ્માતમાં રાજકોટના ૮ વ્યક્તિ સહિત ૧૦નાં મોત નિપજ્યા હતા.
ગઇકાલે એરફોર્સના વિમાન દ્વારા મૃતદેહોને રાજકોટ લવાયા હતા. જેમાં ગઇકાલે એક વ્યક્તિને અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે આજે એકી સાથે ૭ અર્થી ઉઠતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. અંતિમયાત્રામાં સીએમના પત્ની અંજલીબેન રૂપાણી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શહેરના રામનાથપરા અંતિમધામ ખાતે તમામ મૃતકોના અંતિમ સંસ્કાર કરવાના હોય બધી અંતિમયાત્રા રામનાથપરા પહોંચી હતી. સાંસદ મો“હન કુંડારિયા, મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી અને મેયર બીનાબેન આચાર્ય પણ રામનાથપરા અંતિમધામ ખાતે આવી પહોંચ્યા હતા. તેમજ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.