વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ઃ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો, ન્યાય, કાયદાકીય અને સંસદીય બાબતોના માનનીય મંત્રી ઋષિકેશ પટેલે લખનઉ રોડ શૉને સંબોધિત કર્યો
ગાંધીનગર :નવી દિલ્હીમાં કર્ટેન રેઈઝર ઈવેન્ટની સફળતા બાદ, મુંબઈ, ચંદીગઢ, કોલકાતા, ચેન્નાઈ, જાપાન, યુરોપ, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, વિયેતનામ અને દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોડ-શૉ પછી, વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૨૪ પ્રતિનિધિમંડળે સફળતાપૂર્વક લખનઉ રોડ શૉનું સમાપન કર્યું. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો, ન્યાય, વિધાનસભા અને સંસદીય બાબતોના માનનીય મંત્રી ઋષિકેશ પટેલે આ રોડ શૉનું નેતૃત્વ કર્યું.
લખનઉ રોડ શૉમાં ગુજરાતના માનનીય મંત્રીએ વિવિધ સંસ્થાઓના વડાઓ સાથે વન-ટુ-વન મીટિંગો કરી હતી જેમાં, આરએસપીએલ ગ્રુપના સીઈઓ શ્રી ટીંકુ છાબરા, વી ગાર્ડના સીઓઓ શ્રી રામચંદ્રન વેંકટરામન, સનસોર્સ એનર્જીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પંકજ વર્મા, લ્યુમિનસના એમડી અને સીઈઓ પ્રીતિ બજાજ, ફેલિક્સ હોસ્પિટલના ચેરમેન ડૉ. ડી.કે. ગુપ્તા, એરિશા ઇ મોબિલિટી પ્રાઇવેટ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરમિન્દર સિંહ બાવેજા, ઉષા બ્રેકો લિ.ના મેનેજિંગ ડિરેક્ટર અપૂર્વ ઝાવર, ફોર્સ્ટા મેડટેકના સ્થાપક અને એમડીમોનિશ ભંડારી, કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના પ્રમુખ રાજ પ્રકાશ વ્યાસનો સમાવેશ થાય છે.
એસોચેમ ગુજરાત કાઉન્સિલના ચેરમેન શ્રી ચિંતન ઠાકરે સ્વાગત પ્રવચન સાથે રોડ શૉની શરૂઆત કરી હતી. સ્વાગત પ્રવચન બાદ, ઉત્તર પ્રદેશ સરકારના ઔદ્યોગિક વિકાસ, એક્સપોર્ટ પ્રમોશન, NRI, ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશનના માનનીય મંત્રી શ્રી નંદ ગોપાલ ગુપ્તાએ સભાને સંબોધન કર્યું. કાર્યક્રમ દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૨૪ પ્રમોશનલ ફિલ્મનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું તેમજ ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા દ્વારા ગુજરાતમાં રહેલી બિઝનેસની તકો પર એક પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું. ત્યાર બાદ હિરીસે હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી તન્મય બથવાલ, કેડિલા ફાર્માસ્યુટિકલ્સના પ્રેસિડેન્ટ શ્રી રાજ પ્રકાશ વ્યાસ, રેડિંગ્ટન ગ્રુપના લાર્જ પ્રોજેક્ટ્સના જનરલ મેનેજર શ્રી સંગીત ટંડન સાથે ગુજરાતમાં તેમના અનુભવોને શેર કરવા માટે એક એક્સપિરિયન્સ શેરિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
સભાને સંબોધતા માનનીય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું મહત્વ અને વર્ષોથી તેનો વિકાસ કેવી રીતે થયો છે તેના પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યુ કે, “માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ સાથે મળીને કામ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ દેશ અને રાજ્યોના વિકાસ માટે સાથે મળીને કામ કરતા રહેશે”.
સંબોધન દરમિયાન માનનીય મંત્રીશ્રીએ ઉત્તર પ્રદેશ અને ગુજરાતના સંબંધોના મહત્વ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું, “આજના સંદર્ભમાં ભૌગોલિક રીતે એકબીજાથી દૂર હોવા છતાં, બંને રાજ્યો ઘણા મુખ્ય પાસાઓ પર મજબૂત રીતે જાેડાયેલા છે.” તેમણે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજીના નેતૃત્વમાં રાજ્ય વિકાસની નવી વ્યાખ્યા લખી રહ્યું છે. વિવિધ ક્ષેત્રોમાં રાજ્યમાં વિકાસથી લોકોના જીવનમાં ૩૬૦-ડિગ્રી આમૂલ પરિવર્તન આવ્યું છે. તેમણે ૨૦૧૮માં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ર્ંર્ડ્ઢંઁ (વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ) જેવી યોજનાઓ અંગે વાત કરી હતી, જેમાં દેશના સ્થાનિક સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત પરંપરાગત ઉત્પાદનો અને રોજગારને પ્રોત્સાહન આપવા તેમજ નિકાસને વેગ આપવા માટે અપાર સંભાવનાઓ રહેલી છે.
તેમણે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના મહત્વ અને છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતની વિકાસ યાત્રામાં આ સમિટે ભજવેલી મહત્વપૂર્ણ ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું, “વાયબ્રન્ટ ગુજરાતની સફળતા તેની વિકાસયાત્રા પરથી પણ સમજી શકાય છે. વર્ષ ૨૦૦૩માં, લગભગ ૧૦૦ જેટલાં જ સહભાગીઓ અને પ્રતિનિધિઓ આ સમિટ સાથે જાેડાયા હતા. તે ખૂબ જ નાની ઘટના હતી અને આજે આ સમિટમાં ૪૨,૦૦૦ થી વધુ સહભાગીઓ અને પ્રતિનિધિઓ ભાગ લે છે. ૨૦૦૩માં આ સમિટમાં માત્ર થોડા જ દેશોએ ભાગ લીધો હતો અને આજે લગભગ ૧૩૫ દેશો તેમાં ભાગ લે છે.” તેમણે જણાવ્યું હતું કે, “ગુજરાત રાજ્ય વેપારની સાથે સાથે કૃષિ અને નાણા ક્ષેત્રનું પણ હબ બન્યું છે. ૨૧મી સદીમાં ગુજરાતે પોતાની ઓળખ ઔદ્યોગિક અને માઇનિંગ ઇકોસિસ્ટમ તરીકે વિકસિત કરી છે.”
તેમણે ઉમેર્યું કે, “અસરકારક નીતિ ઘડતર અને કાર્યક્ષમ પ્રોજેક્ટ અમલીકરણ દ્વારા છેલ્લા બે દાયકામાં રાજ્યએ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે, જેમ કે ગુજરાતના ઓટોમોબાઈલ ક્ષેત્રમાં રોકાણ જે ૨૦ વર્ષ પહેલાની સરખામણીમાં ૯ ગણું વધ્યુ છે. વધુમાં, દેશમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોમાં રોકાણમાં ગુજરાતનો હિસ્સો આજે સૌથી વધુ છે; ગુજરાતમાં ૩૦,૦૦૦થી વધુ ફૂડ પ્રોસેસિંગ યુનિટ ચાલી રહ્યા છે. આ ઉપરાંત, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં, મેડિકલ દવાઓના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો ૫૦ ટકાથી વધુ છે અને કાર્ડિયાક ટ્યુબના ઉત્પાદનમાં લગભગ ૮૦ ટકા છે. જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં ગુજરાતની સફળતા અદ્ભુત છે. વિશ્વના પ્રોસેસ્ડ હીરામાંથી ૭૦ ટકાથી વધુ ગુજરાતમાં જાેવા મળે છે. ભારતની હીરાની નિકાસમાં ગુજરાતનો ફાળો ૮૦ ટકા છે.”
માનનીય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, “માનનીય વડાપ્રધાનશ્રીના દૂરંદેશી માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રીશ્રીના નિર્ણાયક નેતૃત્વ હેઠળ, ગુજરાત એક નીતિ આધારિત રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે.” સંબોધનના અંતમાં આગામી દસમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રોકાણકારોને આમંત્રણ આપતા તેમણે જણાવ્યું હતું કે, “આ સમિટ ગુજરાતમાં રોકાણ કરવા માંગતા અને ગુજરાતની વિકાસ ક્ષમતામાં રસ ધરાવતા રોકાણકારોને સુવર્ણ તક પૂરી પાડશે.”
લખનઉમાં રોડ શૉ દરમિયાન, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, કાયદો, ન્યાય, કાયદાકીય અને સંસદીય બાબતોના માનનીય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની આગેવાની હેઠળ એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. હિરીસે હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી તન્મય બથવાલ, કેડિલા ફાર્માસ્યુટિકલ્સના પ્રેસિડેન્ટ શ્રી રાજ પ્રકાશ વ્યાસ, રેડિંગ્ટન ગ્રુપના લાર્જ પ્રોજેક્ટ્સના જનરલ મેનેજર સહિત અન્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. વી ગાર્ડના સીઓઓ શ્રી રામચંદ્રન વેંકટરામન દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી ત્યાર બાદ લખનૌ રોડ શોનું સમાપન થયું હતુ.