અમદાવાદ : એક વખત મિસ્ટર ઇન્ડિયા અને ૧૭ વખત મિસ્ટર ગુજરાત રહી ચૂકેલા રાજયના જાણીતા બોડી બિલ્ડર કિરણ ડાભીના માત્ર ૪૧ વર્ષની વયે નાની ઉમંરમાં નિધન થઇ જતાં બોડી બિલ્ડીંગ ક્ષેત્ર સાથે જાડાયેલા તમામ લોકો માટે આ કિસ્સો ચેતવણી સમાન અને વિચારતો કરી મૂકે તેવો છે. અમદાવાદ સહિત રાજયભરના જીમ, ફિટનેસ પોઇન્ટ અને બોડી બિલ્ડીંગ સેન્ટરમાં કસરતી શરીર રાખવા અને નિયમિત કસરત છતાં નાની ઉમંરમાં આ પ્રકારે અચાનક નિધનને લઇ હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે અને ભારે ચર્ચા શરૂ થઇ છે. જા કે આ ટોક ઓફ ધ ટાઉન વચ્ચે નિષ્ણાત ફીટનેસ ટ્રેનરો અને બોડી બિલ્ડરોએ કસરતી શરીર બનાવવાની લ્હાયમાં આજનું યુવાધન અને કહેવાતા શીખાઉ બોડી બિલ્ડરો સ્ટીરોઇડ્સ, ગ્રોથ હોર્મોન્સ, ટેસ્ટોસ્ટેરોન્સ જેવા હથકંડા અજમાવતા હોઇ તે શરીરના આરોગ્ય અને મહામૂલા જીવન માટે ઘાતક બની શકે છે તેવી ગંભીર ચિંતા વ્યકત કરી હતી.
શહેરના જાણીતા ફીટનેસ ટ્રેનર અને અક્ષય જીમ, અક્ષર આર્કેડ, મેમનગર ફાયરસ્ટેશન સામેના સંચાલક એવા અક્ષય દાસે આ મામલે સ્પષ્ટ કર્યું હતું કે, કોઇપણ પ્રકારના સ્ટીરોઇડ્સ, ગ્રોથ હોર્મોન્સ, ટેસ્ટોસ્ટોરન્સનો ઉપયોગ તબીબી સલાહ કે માર્ગદર્શન વિના ટાળવો જાઇએ, અન્યથા તે જીવન માટે ખતરનાક અને ઘાતક પુરવાર થઇ શકે છે. ફીટનેસ ટ્રેનરના સાચા માર્ગદર્શન હેઠળ નિયમિત કસરત અને ગુડ ન્યુટ્રીશન્સ મારફતે બનાવેલી બોડી કે ફીટનેસ જ સાચા અર્થમાં ખરી હોય છે અને તેના લાંબા સમય સુધી ફાયદા અને લાભો વ્યકિતને મળે છે.
નિયમિત અને ફીટનેસ ટ્રેનરની પધ્ધતિસરની તાલીમ હેઠળ બોડી બનાવવી કે કસરતી શરીર બનાવવું એ જ સાચી દિશા અને પધ્ધતિ છે એમ કહેતાં શહેરના જાણીતા અને અનુભવી ફીટનેસ ટ્રેનર અક્ષય દાસે ઉમેર્યું હતું કે, આજના યુવાનો કે કહેવાતા બોડી બિલ્ડરો ખૂબ ટૂંકા ગાળામાં કસરતી શરીર કે બોડી બિલ્ડર બની જવા માંગે છે અને તેની લ્હાયમાં તેઓ ખોટી સલાહ કે દિશાથી ગેરમાર્ગે દોરવાઇ સ્ટીરોઇડ્સ, ગ્રોથ હોર્મોન્સ અને ટેસ્ટોસ્ટેરોન્સ તરફ વળી રહ્યા છે પરંતુ તે બહુ ચિંતાજનક અને ઘાતક છે. કારણ કે, આવા સ્ટીરોઇડ્સ, ગ્રોથ હોર્મોન્સ અને ટેસ્ટોસ્ટેરોન્સની ઘણી ગંભીર આડઅસરો અને જાખમ હોય છે. તો આડેધડ કે તબીબી સલાહ-માર્ગદર્શન વિના આવા સ્ટીરોઇડ્સ કે ઉપાયો અજમાવવામાં લીવર ડેમેજ, કિડની ફેઇલ, હોર્મોન્સ ઇમ્બેલેન્સ, બ્રેઇન હેમરેજ, કાર્ડિયાક એટેક સહિતના ગંભીર જાખમો રહેલા છે.
અમદાવાદ શહેર સહિત આજે રાજયભરમાં ઘણા સ્થળોએ આવા સ્ટીરોઇડ્સ, ગ્રોથ હોર્મોન્સ કે ટેસ્ટોસ્ટેરોન્સનું ખાનગીમાં છૂપી રીતે માર્કેટીંગ અને વેચાણ થઇ રહ્યું છે અને યુવાધન તેનાથી ગેરમાર્ગે દોરવાઇ તેની ચુંગાલનો ભોગ બને છે પરંતુ તેનાથી બચવું જાઇએ અને આવા હથકંડાનો ઉપયોગ ટાળવો જાઇએ. બોડી બનાવવી હોય કે ફીટનેસ માટે સારા-અનુભવી ટ્રેનરના માર્ગદર્શન હેઠળ લોકોએ નિયમિત કસરત, ગુડ ન્યુટ્રીશન્સ અને ખોરાક-જીવનશૈલી પરત્વે ધ્યાન કેન્દ્રિત કરી તે મુજબ અમલવારી કરવી જાઇએ તો, તેના લાંબાગાળાના ફાયદાકારક અને આરોગ્યપ્રદ તેમ જ ફીટનેસભર્યા પરિણામો ચોક્કસથી મળી રહે. જાણીતા બોડી બિલ્ડર કિરણ ડાભીના નાની વયે નિધનને લઇ રાજયભરના બોડી બિલ્ડરો અને ફીટનેસ ટ્રેનરોમાં શોકની લાગણી પ્રવર્તી રહી છે ત્યારે લોકો આ મામલે જાગૃત થાય તેવી જ અમને આશા છે.