ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ રાજી થવાની જરૂર નથી, કેમ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના વાતાવરણમાં મોટા પરિવર્તનના સંકેત આપ્યાં છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કાતિલ ઠંડીમાંથી રાહત મળી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ફરીથી ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ત્રણથી ચાર ડિગ્રી ઊંચકાયુ છે. દિવસ દરમિયાન ગરમી તેજમ મોડી રાતે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તથા પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. હવામાન નિષ્ણાત દ્વારા આગામી સમયમાં ગુજરાતમાં હવામાનમાં પલટા સાથે માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેની સાથે કાતિલ ઠંડી પણ પડશે તેવી આગાહી કરવામાં આવશે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, “22મી તારીખથી ફરીથી ઠંડીનો રાઉન્ડ ચાલુ થવાનો છે. 22થી શરૂ થયેલો આ રાઉન્ડ 28મી સુધી ચાલશે. 22મી તારીખ રાતથી ફરીથી પવનની દિશા બદલાવવાની છે. ત્યારે પવનની દિશા બદલાઈને પણ ઉત્તરથી ઉત્તર પૂર્વના થઈ જશે. જે બાદ ઠંડી ચાલુ થશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપમાન ફરીથી સિંગલ ડિજિટમાં આવી શકે છે.”
બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, જાન્યુઆરીના અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે હવામાનમાં મોટો પલટો આવશે. વિષમ હવામાનની વિપરીત અસર જોવા મળશે અને 30 જાન્યુઆરી સુધીમાં વિવિધ ભાગમાં હવામાનમાં પલટા આવશે અને હળવું માવઠું થવાની શક્યતાઓ પણ છે. જાન્યુઆરી મહિના અંતમાં હવામાનમાં વારંવાર પલટો આવશે. જેના કારણે અમુક વિસ્તારમાં હળવા વરસાદ થવાની શક્યતા છે. જોકે, ભેજવાળું વાતાવરણ કે વરસાદ થાય તો શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે. માવઠાની શક્યતાને લઈ ખેડૂતોની ચિંતા વધશે.