ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે શ્રીનગરમાં બલિદાન સ્તંભનો શિલાન્યાસ કર્યો હતો. આ બલિદાન સ્તંભ શ્યામા પ્રસાદ મુખર્જીની યાદમાં બનાવવામાં આવશે. શિલાન્યાસ કર્યા બાદ અમિત શાહ લાલ ચોકથી રવાના થયા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે શ્રીનગરના લાલ ચોકની બાજુમાં આવેલા પ્રતાપ પાર્કમાં બલિદાન સ્તંભ સ્મારકનો શિલાન્યાસ કર્યો. તેને જોતા આ વિસ્તારમાં સુરક્ષા સઘન કરવામાં આવી હતી. શુક્રવારથી જ લાલ ચોક અને આસપાસના વિસ્તારોમાં એસએસજી કમાન્ડો અને પોલીસ જવાનો તૈનાત હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જયારે શ્રીનગરના પ્રતાપ પાર્ક પહોંચ્યા, ત્યારે વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. એલજીના સલાહકાર આરઆર ભટનાગર, ડિવકોમ વીકે બિધુરી અને એસએમસી કમિશનર અથર અમીર ખાન અને અન્ય અધિકારીઓએ ઇવેન્ટ પહેલા સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. શ્રીનગરના પ્રતાપ પાર્કની બાજુમાં આવેલા પ્રેસ એન્ક્લેવમાં પણ સુરક્ષા દળો દ્વારા ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્યાંની ઈમારતોમાં સર્ચ કરવામાં આવ્યું હતું. દરેક ઈમારતને સેનિટાઈઝ કરવામાં આવી હતી. શ્રીનગર પહોંચીને શાહે અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો. અગાઉ SKICC શ્રીનગર ખાતે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત વિતસ્તા મહોત્સવમાં ભાગ લીધો હતો.
નોંધનીય છેકે દેશની આઝાદીના લડવૈયા શ્યામા પ્રસાદ મુખર્જીનું ૨૩ જૂન ૧૯૫૩ના રોજ જમ્મુની જેલમાં રહસ્યમય રીતે અવસાન થયું હતું. ગૃહમંત્રી અમિત શાહ ૨૩મીએ સવારે જમ્મુ પહોંચતા જ અહીંના ત્રિકુટા નગર વિસ્તારમાં ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દિવસને ભાજપ અને તેના સાથી પક્ષો દ્વારા “બલિદાન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જમ્મુ-કાશ્મીરમાં ૨૦૨૪ની સંસદીય ચૂંટણીઓ સાથે એકસાથે ચૂંટણી યોજાય તેવી શક્યતા છે, પરંતુ કોઈ નક્કર સમયપત્રક નક્કી કરવામાં આવ્યું નથી. જો કે, ડિસેમ્બર ૨૦૨૩ માં, જમ્મુ અને કાશ્મીરમાં પંચાયત અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાય તેવી સંભાવના છે.