અમદાવાદઃ શહેરમાં ગેરકાયદે દબાણોને કારણે અને આડેધડ વાહન પાર્કિગના કારણે ટ્રાફિકની સમસ્યા વકરી છે. હાઈકોર્ટે આકરી ઝાટકણી કાઢ્યા પછી શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે અને ગેરકાયદે પાર્ક કરેલા વાહનો ડીટેઇન કરવાનો અને દબાણો હટાવવાની ઝૂંબેશ હાથ ધરી છે, ત્યારે આજે અમ્યુકો તંત્ર અને પોલીસ તંત્રએ સંયુકત રીતે સારંગપુરથી બાપુનગર સુધીના સમગ્ર વિસ્તારમાં જાહેરમાર્ગો પરના દબાણો અને બાંધકામ દૂર કરવા બાબતે સ્થાનિક દુકાનદારો,વેપારીઓ અને ફેરિયાઓને ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું.
અમ્યુકો અને પોલીસ દ્વારા લાઉડ સ્પીકર મારફતે સ્થાનિકોને દબાણો દૂર કરવાની ચેતવણી અપાઇ હતી અને હવે આવતીકાલથી ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરવાની તાકીદ કરી હતી. જેને પગલે ફફડી ઉઠેલા સ્થાનિક વેપારીઓ, દુકાનદારો અને ફેરિયાઓ પોતાના દબાણો સ્વેચ્છાએ દૂર કરતા જાવા મળ્યા હતા.
આજે સવારે સારંગપુરથી બાપુનગરના ૧૦ કિ.મી.ના રોડ પર પોલીસે ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે ગેરકાયદેસર દબાણો હટાવવા માટે મેગા ઓપરેશન હાથ ધર્યુ હતું. પોલીસના અલ્ટિમેટમ બાદ કેટલાક લોકોએ સ્વેચ્છાએ દબાણો દૂર કરવાનું શરૂ કરી દીધું હતું. પોલીસે મેગા ઓપરેશન દરમ્યાન એક હજારથી વધુ લોકોને ગેરકાયદે દબાણ હટાવવા નોટિસ આપી હતી અને ર૪ કલાકમાં દબાણ હટાવવા માટેનું અલ્ટિમેટમ આપ્યું હતું અને જો દબાણ નહીં હટાવવામાં આવે તો ડિમોલશન કરવામાં આવશે તેવી કડક તાકીદ કરી હતી.
ઉપરાંત, સારંગપુરથી બાપુનગર સુધીના રોડ પર ગેરકાયદે પાર્ક કરેલા વોહનો ડીટેઇન કરવાની કામગીરી શરૂ કરી હતી. મેગા ઓપરેશનમાં બે એડીશનલ સીપી, ત્રણ ડીસીપી, છ એસીપી, વીસ પોલીસ ઇન્સપેક્ટર અને ર૦૦ કરતા વધુ પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ મેગા ઓપરેશનમાં પોલીસે ૧૦૦૦ હજાર કરતાં વધુ લોકોને નોટિસ આપી હતી. પોલીસે યોગ્ય પાર્કિંગ કરવું, ગેરકાયદેસર પાર્કિંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જાણકારી પોલીસે લાઉડસ્પીકર દ્વારા આપી હતી. સારંગપુરથી બાપુનગર સુધીના દસ કિલોમીટરના રોડ પર વાહનો પણ ડીટેઇન કરવા આવ્યા હતા. બે એડીશનલ સીપી, ત્રણ ડીસીપી, છ એસીપી, વીસ પીઆઇ સહિત ર૦૦ કરતા વધુ પોલીસના કાફલાએ મેગા ઓપરેશન હાથ ધર્યુ હતું જેમાં કોર્પોરેશનની ટીમ પણ સામેલ હતી. પોલીસે ૨૦ જેટલી ટીમો બનાવી હતી જેમાં લાઉડ સ્પીકર અને વીડીયો ગ્રાફી કરનાર લોકો પણ સામેલ હતા.
ટ્રાફિક ડીસીપી સંજય ખરાટે જણાવ્યુ હતું કે, મેગાઓપરેશનમાં ગેરકાયદે બાંધકામ અને વાહનો ડીટેઇન કરવામાં આવશે. દરમ્યાનમાં શહેરના રપ મોડલ રોડને દબાણ મુક્ત કરવાના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના આદેશને પગલે ગઇ કાલથી તંત્ર દ્વારા ઓપરેશન ડિમોલિશન હાથ ધરાયું છે. આજના બીજા દિવસે પણ સવારથી મોડલ રોડ પરનાં ગેરકાયદે શેડ, ઓટલા, હો‹ડગ્સ લારી-ગલ્લા સહિતનાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઇ છે. ગઇ કાલે મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા શહેરના ૬૩ કિ.મી. લાંબા મોડલ રોડ પરથી ૯૦૪ દબાણ દૂર કરી પાર્કિંગ માટે જગ્યા ખુલ્લી કરાઇ હતી. મધ્ય ઝોનમાં સૌથી વધુ ૧૯.પ કિ.મી. મોડલ રોડ પરના દબાણ હટાવાયાં હતાં જ્યારે પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછા ૩.પ કિ.મી.નાં દબાણને દૂર કરાયાં હતાં.
દરમ્યાન નવા પશ્ચિમ ઝોનમાં આજે સવારે ૯-૩૦ વાગ્યાથી સતાધાર ચાર રસ્તાથી પ્રભાત ચોક સુધીના મોડલ રોડ પરનાં ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરાઇ હતી. સતાધાર ચાર રસ્તા પરના મનોરથ કોમ્પ્લેકસનાં દબાણને દૂર કરતી વખતે લોકોનાં ટોળેટોળાં કામગીરી જોવા ઊમટી પડ્યાં હતાં. જ્યારે પશ્ચિમ ઝોનમાં ગુલબાઇ ટેકરા વિસ્તારના ગેરકાયદે દબાણ પર તંત્ર ત્રાટક્યું હતું. મધ્ય ઝોનમાં દિલ્હી દરવાજાથી અંડરબ્રિજ થઇ મહાકાળી મંદિરથી ગીરધરબ્રિજથી કાલુપુર સુધીના છ કિ.મી. લાંબા મોડલ રસ્તા પરનાં દબાણને દૂર કરવાની દિશામાં પણ ચક્રો ગતિમાન કરાયાં છે. હવે આવતીકાલે સારંગપુરથી બાપુનગરના પટ્ટામાં ડિમોલીશન ડ્રાઇવ શરૂ કરાશે.