ઉદગમ ટ્રસ્ટ દ્વારા સેક્ટર-૨૯ ની સરકારી પ્રાથમિક શાળાના બાળકોને નોટબુક અને ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉદગમ મહિલા અને બાળવિકાસ માટે સતત પ્રયત્નશીલ થઈને કાર્ય કરી રહ્યું છે. ઉદગમ ટ્રસ્ટ હરહમેશ ભારતના ભાવી નાગરિકના ઘડતર માટે પ્રયાસો કરી રહ્યું છે. ઉદ્દગમ દ્વારા પ્રોજેક્ટ “ઉમંગ” અંતર્ગત દર વર્ષે ગાંધીનગર અને અમદાવાદની વિવિધ શાળાના વંચિત બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવા સમયાનુસાર તેઓની જરીરુયાત મુજબ શૈક્ષણિક સામગ્રી જેવી કે નોટબુક,પેન્સિલ, રબર, સંચો, કલર, વગેરે પૂરી પાળે છે. જેથી આ વંચિત બાળકો સારું શિક્ષણ મેળવીને સારા નાગરિક બની શકે.
કાર્યક્રમની શરૂઆતમાં કુસુમબેન જોષીએ બાળકોને શ્લોકગાન અને પ્રાણાયામ કરાવ્યા હતા. ત્યારબાદ શાળાની બાળાઑએ સુંદર સ્વાગત નૃત્ય કર્યા બાદ સર્વે મહાનુભાવોનું સ્વાગત બાળકોએ બનાવેલ સ્વાગત કાર્ડથી શિક્ષકોએ કર્યું હતું. ઉદગમના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મયુર જોષીએ સ્વાગત પ્રવચનમાં બાળકોએ બનાવેલ સ્વાગત કાર્ડ માંથી ડીલ નહીં પણ ફીલ કરો ની ઉક્તિને સાર્થક કરતી ઉદ્દગમ ચેરીટેબલ ટ્રસ્ટની પ્રવૃત્તિઓની માહિતી આપી.અતિથિવિશેષ પદે પધારેલ ગાંધીનગર મનપાની મહિલા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન હેમાબેન ભટ્ટે બાળકોને વાર્તા થકી કરવાની વાત કરી હતી અને મુખ્ય મહેમાન પદે પધારેલ ગાંધીનગર ઉત્તરના લોકલાડીલા ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલે ઉદગમના કાર્યોની પ્રશંસા કરતા બાળકોને સરળ રીતે શિક્ષકની વાર્તા થકી જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવીને શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર માટેના પ્રયાસ માટે અભિનંદન પાઠવ્યા હતા.
વાર્તાકાર અને કટારલેખક સંજય થોરત સ્વજન દ્વારા સુંદર મજાની કલ્પવૃક્ષની બોધ વાર્તાથી બાળકોને આનંદિત કરી દીધા હતા. ધારાસભ્ય રીટાબેન પટેલ અને સર્વે મહાનુભાવોનું હસ્તે બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું. ચોપડા મળતાં બાળકો ખુશખુશાલ થઈ ગયા હતા. કાર્યક્રમમાં ઉદ્દગમ પરિવારના મનોજભાઈ જોષી, વીણાબેન વોરા અને જયપ્રકાશભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય વિપુલભાઈ બ્રહ્મભટ્ટે સહુનો આભાર માન્યો હતો અને શાળાના શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જેહમાત ઉઠાવી હતી.