અમદાવાદઃ કેરળમાં સદીના સૌથી વિનાશક પૂરની કુદરતી આપદાએ મોટાપાયે તારાજી અને તબાહી સર્જી છે, ત્યારે ત્યાંના કોચી શહેરમાં સાઉન્ડ એન્જિનીયરીંગનો અભ્યાસ કરવા માટે ગયેલા વડોદરા શહેરના બે વિદ્યાર્થીઓ ત્યાંના એક ફલેટમાં છેલ્લા પાંચ દિવસથી પાંચમા માળે ફસાયા હતા. પાંચ દિવસથી ખાધા-પીધા વિના અને કોઇ પણ મદદ વિના ફસાયેલા બંને વિદ્યાર્થીઓના પરિવારજનો તરફથી આખરે સરકારને દરમ્યાનગીરી કરવાનો અનુરોધ કરાતાં આજે એનડીઆરએફની ટીમ દ્વારા વડોદરાના આ બંને વિદ્યાર્થીઓને કોચીના ફલેટના પાંચમા માળેથી સહીસલામત રીતે રેસ્કયુ કરી બચાવી લેવાયા હતા અને તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. બંને વિદ્યાર્થીઓને બચાવી લેવાતાં તેમના પરિવારજનોએ પણ આખરે રાહતનો શ્વાસ લીધો હતો.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા શહેરના અમિત નગર સર્કલ પાસે બી-૭, મૃંદગ સોસાયટીમાં રહેતો ભૌમિક પ્રવિણભાઇ રાજ (ઉં.વ.૧૮) અને જુના પાદરા રોડ ઉપર રહેતો પરિક્ષીત જયભાઇ પંડ્યા (ઉં.વ.૧૮) કેરલના કોચી શહેરમાં સાઉન્ડ એન્જિનીયરીંગનો અભ્યાસ કરવા માટે ગયા હતા. જે કે, તાજેતરમાં કેરળમાં આવેલા વિનાશક પૂરમાં આ બને વિદ્યાર્થીઓ પણ કોચીમાં તેઓ જે ફલેટમાં રહેતા હતા, ત્યાં પાંચમા માળે છેલ્લા પાંચ દિવસથી પૂરના પાણી વચ્ચે ફસાયા હતા. એપોર્ટમેન્ટના પહેલા માળથી ઉપર સુધી પાણી જ પાણી હતુ અને તેના કારણે પાંચ દિવસથી તેઓને ખાવા-પીવાની કે અન્ય કોઇપણ પ્રકારની મદદ પહોંચાડવી શકય બની ના હતી. વીજપુરવઠો પણ ખોરવાતાં મોબાઇલ પર પણ અમુક સેકન્ડ જ પરિવાર સાથે વાત કરી શકયા હતા. જેને પગલે બંને વિદ્યાર્થીઓની હાલત કફોડી અને ચિંતાજનક બની હતી.
વડોદરાની હાર્ટ ઇન્સ્ટીટ્યૂટમાં નોકરી કરતા પ્રવિણભાઇ રાજે જણાવ્યું હતું કે, ભૌમિક અને તેનો મિત્ર પરિક્ષીત ધોરણ-૧૦ પાસ કર્યા બાદ ગત તા.૩-૮-૦૧૮ના રોજ કોચીમાં સાઉન્ડ એન્જિનીયરીંગનો અભ્યાસ કરવા માટે ગયા છે. બંને મિત્રો કોચી શહેરમાં એક જ ફ્લેટમાં ૫ માં ફ્લોર ઉપર રહે છે. જો કે, છેલ્લા પાંચ દિવસથી ફસાયેલા વિદ્યાર્થીઓને બચાવી લેવા સરકાર અને તંત્રને કરાયેલી અપીલ બાદ આજે સ્થાનિક એન.ડી.આર.એફ અને આર્મીએ બંને વિદ્યાર્થીઓને બોટમાં બેસાડી હાલ સલામત સ્થળે ખસેડયા હતા અને તેમને હેમખેમ બચાવી લીધા હતા. જેને પગલે તેમના પરિવારજનોએ પણ રાહતનો દમ લીધો હતો. સાથે સાથે સંતુષ્ટી પણ થઈ છે.