વડોદરાના બે લોકોએ માલદિવ જવાના ચક્કરમાં પાંચ લાખ ગુમાવ્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વડોદરાના અકોટા વિસ્તારમાં રહેતા બિઝનેસમેન વશિષ્ઠ મહેન્દ્રભાઇ ઉપાધ્યાયે પરિવાર સાથે માલદીવ જવાનું આયોજન કર્યું હતું.

જેથી ત્યાં હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવા તેમણે ગુગલ પર માલદિવ પેકેજિસ સર્ચ કરતા એક વેબસાઇટની લિંક પર ક્લિક કર્યું હતું. જેમાં હોટલ બુકિંગ માટે એક મોબાઇલ નંબર આપેલ હતો તેના પર કોલ કર્યો હતો. જેથી ફોન પર વાત કરનારે પોતાનું નામ આદિત્ય જૈન હોવાનુ જણાવ્યું હતું અને હોટલ હાર્ડ રૉકનું પેકેજ આપવાની વાત કરી હતી.

સાથે જ તેણે વોટ્‌સએપ પર છ વ્યક્તિના માલદિવના ટૂર પેકેજનો ખર્ચ ૫ લાખ ૧૦ હજાર હોવાનું ઇનવોઇસ પણ મોકલી આપ્યું હતું. આ ટૂર પેકેજને પસંદ આવતા ગત માર્ચ મહિનામાં વશિષ્ઠ ઉપાધ્યાયે હોટલ બુકિંગ કન્ફર્મ કરાવવા એડવાન્સ પેમેન્ટ દોઢ લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરી ચુકવ્યા હતા.

ત્યાર બાદ ફ્લાઇટની ટિકિટ કન્ફર્મ કરાવવા ફરી આદિત્ય જૈને એક લાખ રૂપિયાની માંગણી કરતા વશિષ્ઠ ઉપાધ્યાયે ફરી આ રકમ ઓનલાઇન ચુકવી હતી. પરંતુ ત્યારબાદ પણ ટિકિટ આવી ન હતી અને બાકીના પેમેન્ટ માટે આદિત્ય જૈને કોલ કરતો પણ ટિકિટ મોકલાવી ન હતી.

જ્યાર બાદ આદિત્ય જૈને ફોન પણ સ્વીચઓફ કરી દીધો હતો. જેથી પોતે અઢી લાખમાં છેતરાયા હોવાનું જણાતા તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવી છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા હસમુખભાઇ ભગાભાઇ પ્રજાપતિ પણ માલદિવનું ટૂર પેકેજ ગુગલ પર સર્ચ કરતા તેમણે એક વેબસાઇટની લિંક પર ક્લિક કર્યું હતું.

જેના પર આપેલ નંબર પર સંપર્ક કરતા આદિત્ય જૈન નામના વ્યક્તિએ હોટલ અને ટિકિટ બુકિંગ માટે ૨ લાખ ૭૬ હજાર ૪૦૦ રૂપિયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરી ચુકવ્યા હતા. પરંતુ તેમને પણ બાદમાં જાણ થઇ કે તેઓ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે.

આમ વડોદરાના બે નાગરિકો વિદેશ ટૂર અંગે ગુગલ સર્ચમાંથી મળેલ લિંક પરના નંબર પર વાત કરી ૫ લાખ ૨૬ હજાર ૪૦૦ રૂપિયા ગુમાવ્યાની ફરિયાદ વડોદરા સાયબર ક્રાઇમ પોલસ સ્ટેશનમાં નોંધાઇ છે.હાલ વેકેશનની સિઝન ચાલે છે ત્યારે વડોદરા શહેરના બે લોકો સાથે માલદિવની ટૂર માટે હોટલ અને ફ્લાઇટ બુકિંગના નામે સવા પાંચ લાખની ઓનલાઇન છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ સાઇબર ક્રાઇમમાં નોંધાઇ છે.

બંનેએ ગુગલ પર માલદિવની ટૂર પેકેજના નામે આપેલ નંબર પર ફોન કરી બુકિંગ કરાવતા રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.

Share This Article