અમદાવાદઃ ગોતાના પ્રાર્થના લેવિસ ફ્લેટની બહારથી એક મહિનાની બાળકીને ઉઠાવી જવાના મામલે હવે પોલીસ તપાસમાં ચોંકાવનારો નાટયાત્મ વળાંક સામે આવ્યો છે. પોલીસની તપાસમાં બાળકીની માતા જ તેને ચાંદલોડિયા બ્રિજ નીચે આવેલા રેલવે ટ્રેક પાસેના નાના ગરનાળામાં મૂકી આવી હતી.
ઘરે આવી તેણીએ પોતાની સાસુને જણાવ્યું હતું કે બાઈક પર આવેલા બે શખસ બાળકીને લઈને ફરાર થઇ ગયા હતા. સવા કલાક સુધી એક મહિનાની ફુલ જેવી બાળકી નાના ગરનાળામાં પડી રહી હતી. જો કે, બાળકીને કૂતરા કે અન્ય પ્રાણી ઉઠાવી નહી જતાં અને તેને અન્ય કોઇ નુકસાન નહી થતાં પોલીસની સાથે સાથે પરિવારના અન્ય સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ તો, બાળકીને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગોતા ન્યુ એસજી રોડ પર આવેલા પ્રાર્થના લેવિસ ફ્લેટમાં રહેતા કૃણાલસીંગની એક મહિનાની બાળકી યક્ષિતાને ગત સાંજે આઠ વાગ્યાની આજુબાજુ ફ્લેટની બહારથી બાઈક પર આવેલા બે શખસ તેમની પત્ની પુષ્પાના હાથમાંથી ઉઠાવી ફરાર થઇ ગયા હોવાનો પોલીસ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો. પોલીસને જાણ થતાં સમગ્ર શહેરમાં નાકાબંધી કરી દેવામાં આવી હતી. સોલા, ચાંદખેડા અને સાબરમતી પોલીસની હદ નજીક હોવાથી ત્રણેય પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ વગેરે મેળવી તપાસ શરૂ કરી હતી. સાબરમતી પોલીસે બાળકીની માતા પુષ્પાબહેનની પૂછપરછ શરૂ કરી હતી.
પોલીસે પુષ્પાબેહેનની ઊલટતપાસ કરતા તેઓ ભાંગી પડ્યાં હતાં અને પોતાની એક મહિનાની બાળકીને ચાંદલોડિયા બ્રિજ નીચે આવેલા રેલવે ટ્રેક પાસેના નાના ગરનાળામાં પોતે જ મૂકી આવ્યાં હોવાનું પોલીસને જણાવ્યું હતું. જેથી પોલીસ તાત્કાલિક ચાંદલોડિયા બ્રિજ નીચે ગરનાળામાં પહોંચી ગઈ હતી. નાના ગરનાળામાંથી બાળકી સહી સલામત મળી આવતાં પોલીસે હાશકારો લીધો હતો. પોલીસે તેને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.
સોલા પોલીસ સ્ટેશનના પી.આઈ ડી.એચ. ગઢવીએ જણાવ્યું હતું કે મહિલા પોતાની બાળકીને શા માટે ચાંદલોડિયા બ્રિજ ગરનાળામાં મૂકી આવી તેનું કારણ જણાવતી નથી. બાળકીની હાલમાં સારવાર કરવામાં આવી છે. સોલા પોલીસે પુષ્પાબહેન વિરુદ્ધ ગુનો નોંધી અને તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે અને માતાએ આમ શા માટે કર્યું તેનું કારણ જાણવાની તપાસ ચલાવી રહી છે.