અમદાવાદ: 137 વર્ષ જૂની જર્મન ટેક્સટાઇલ મશીનરી જાયન્ટની ભારતીય શાખા, ટ્રુઝલર ઇન્ડિયાએ અમદાવાદના સાણંદમાં અત્યાધુનિક ઉત્પાદન પ્લાન્ટ નું ઉદ્ઘાટન કરીને નવું સીમાચિહ્ન બનાવ્યું છે. રૂ. 400 કરોડનું રોકાણ કંપનીની ભારત પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતા અને વૈશ્વિક ટેક્સટાઇલ મશીનરી ઉદ્યોગમાં તેની વધતી જતી ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીશ્રી પુરુષોત્તમજી રૂપાલા, સાણંદના ધારાસભ્ય શ્રી કનુભાઇ પટેલ અને ભારત માં જર્મન કોન્સ્યુલેટ મિ. અખીમ ફાબીગ ની હાજરીમાં નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ટ્રુઝલરના વૈશ્વિક નેતૃત્વ અને ભારતીય મેનેજમેન્ટ ટીમના વરિષ્ઠ સભ્યો પણ હાજર હતા.
ટ્રુઝલર વર્ષ 1977 થી “ટ્રુમેક” નામથી ભારતમાં કાર્યરત છે અને વર્ષોથી સતત વિસ્તાર કરી રહી છે. લાંભામાં તેના ત્રણ એકમો હતાં, જ્યાં જગ્યાની તંગીને કારણે કંપનીએ સાણંદમાં 42 એકરનો પ્લોટ લઇ અને ગત ત્રણ વર્ષમાં એક આધુનિક સંકલિત સુવિધા વિકસાવી. કાર્ડ ક્લોથિંગ (TCC) યુનિટે ગયા વર્ષે જુલાઈમાં કામગીરી શરૂ કરી હતી, અને સ્પિનિંગ ડિવિઝન આ વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થયું હતું.
નવીન પ્લાન્ટમાં એડવાન્સ ઓટોમેશન, ડિજિટલ ઇન્ટીગ્રેશન અને વિશાળ ક્લાયમેટ કંટ્રોલ એરીયા છે જે શ્રેષ્ઠ ઉત્પાદન ગુણવત્તા અને કર્મચારીઓના આરામને સુનિશ્ચિત કરે છે. પ્લાન્ટની સ્થાપિત ક્ષમતા લાંભાની સુવિધા કરતા લગભગ બમણી છે, અને કંપનીએ નવી ફેક્ટરીમાં સફળતાપૂર્વક તેમની મૂળ કુશળતા સાથેનો લગભગ ૧૨૦૦ કર્મચારીઓનો સ્ટાફ જાળવી રાખ્યો છે. આ સ્થળ ભવિષ્યના વિકાસ માટે વધારાની 25,000 ચોરસ મીટર જમીન ઉપલબ્ધ કરાવવા સાથે વધુ વિસ્તરણની યોજના પણ બનાવી શકે છે.
સમારોહ દરમિયાન, શ્રી પરષોત્તમજી રૂપાલાએ ટ્રુઝલર ના નવા ઇન્ટેલિજેન્ટ કાર્ડ, TC26i મશીનનું અનાવરણ કર્યું, જ્યારે મુખ્યમંત્રી શ્રી એ શિલાલેખ દ્વારા આખા પ્લાન્ટ નું અનાવરણ કર્યું હતું. તે ઉપરાંત તાજેતર માં ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે પોતાના સંબોધનમાં, મુખ્યમંત્રીએ જર્મની, અમેરિકા, ચીન અને બ્રાઝિલમાં ટ્રુઝલરની વ્યૂહાત્મક હાજરી પર પ્રકાશ પાડ્યો અને ભાર મૂક્યો કે તેઓ નો નવો સાણંદ પ્લાન્ટ હવે કંપનીનો વિશ્વભરમાં સૌથી મોટો અને ટેકનોલોજીની રીતે સૌથી અદ્યતન સુવિધા વાળો પ્લાન્ટ છે.
આ પ્રસંગે ગુજરાત સરકાર, ટ્રુઝલર ફેમિલિ અને શેર હોલ્ડર્સ, ભારત અને જર્મનીની ટ્રુઝલરની ટીમો, કર્મચારીઓ અને સપ્લાયર્સના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને જીવંત બનાવવાના પ્રયાસોને પણ બિરદાવવામાં આવ્યા હતા.