“વ્યવહારમાં તો રહેવું જ પડે”
“ તમે એવું વિચારો છો, એ લોકો તો નોટીસ કરશે જ કે તમે ના આવ્યા”
“ઉભા ઉભા 10 મિનીટ જઈ આવવામાં શું ખાટું મોળું થવાનું છે”
“આખું ગામ મળી આવ્યું તમને જ સમય નથી”
“બધા ધંધો તો કરે જ છે તમે કઈ નવાઈ નથી કરતા , સાંજે જઈ આવીએ એટલે એક કામ પતે”
“એમને કેવું લાગશે?”
“બધામાં શું મોં સંતાડો છો?”
“આપણી વખતે કોણ આવશે?”
“20 ની પેન માટે નહિ જઈએ તો એમને થશે કે જુઓ તમે ગણતરી કરો છો”
છેલ્લા ૧૫ દિવસ થી આ શબ્દો ક્યાંક ને ક્યાંક કાને ચઢ્યા જ હશે!!… શું થઇ શકે રીવાજ જ બનાવી દીધો છે કે છોકરો બોર્ડમાં આવે એટલે best of luck કહેવા જવું પડે, પડોશથી લઇને છેક પેરીસ સુધીના બોર્ડની પરીક્ષા આપતા છોકરાઓને શુભેચ્છા આપવા ફોન કરવા પડે અને નજીકમાં તો મળવા જવું જ પડે એવો ફરજીયાત ફતવો જાણે કે બહાર પડયો છે.
વાત વ્યવહારની નથી વાત સમજદારીની છે કુટુંબના ૫૦ સભ્યો best ઓફ luck કહેવા એને મળે તો એનો સમય કેટલો બગડશે? એની ચિંતા કોઈએ કરી છે ખરી… પરીક્ષાના છેલ્લા દિવસોમાં મળવા જવાના બહાને એને જે પેન , પેન્સિલ આપવામાં આવે છે શું એ છોકરો એ પેન થી લખશે તો જ પાસ થશે? એ પેન આખા વર્ષ દરમ્યાન વાપરી નાં હોય એવી મોંઘી પેન એને પેલા ૩ કલાકમાં લખતા ફાવશે ખરી? મળવા જઈએ અને ગીફ્ટ કે કંઇક પણ આપીએ તો જ આપણે શુભેચ્છક કહેવાઈએ? એના સારા માર્ક્સ માટે ભગવાન પાસે પ્રાર્થના કરીએ તો શું એ વ્યર્થ ગણાશે?
શુભેચ્છાનો વિરોધ નથી, પણ એ પદ્ધતિનો વિરોધ છે કે જે ને ફરજીયાત બનાવવમાં આવી છે, પરીક્ષા આપતા બાળકને શાંત વાતાવરણની જરૂર હોય છે આપણે જઈને એને ક્યાંક ખલેલ તો નથી પહોંચાડતા એ સમજવા જેવું છે. best of luck ના બહાને પરિવારે પણ તમારી આગતા સ્વાગતા કરવી પડે છે જ્યાં ચા, નાસ્તો અને આઈસ્ક્રીમ સુધીની વ્યવવસ્થા તો ખરી જ, આ બધું કરવા પાછળનો હેતુ શું એ હજુયે સમજાતો નથી…
તમારું મળવું એના માટે મનોબળ મજબુત કરનારું હોવું જોઈએ ,તમારી હાજરી એના માટે પ્રેરકબળ બનવી જોઈએ એના ચહેરા પરનો ડર તમારા સહવાસ માત્રથી ગાયબ થઇ જતો હોય તો તમે સાચા અર્થ માં શુભેચ્છક છો,,
ચાલો નવા વર્ષે એવો જ કોઈ ચીલો ચીતરીએ કે જેમાં વ્યવહાર નો કોઈ તહેવાર ના હોય માત્ર હકારાત્મક હાજરી હોય…..