ટીઆરએસ નેતાની પથ્થરો મારીને ઘાતકી હત્યા કરાઈ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

હૈદરાબાદ :  તેલંગાણામાં રાજકીય સંઘર્ષમાં ટીઆરએસ નેતા નારાયણ રેડ્ડીની પથ્થરો મારી મારીને ઘાતકી હત્યા કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. વિકરાબાદ જિલ્લાના સુલ્તાનપુર ગામમાં આ હત્યાનો બનાવ બન્યો છે. ટીઆરએસ નેતાનો મૃતદેહ આજે સવારે મળી આવ્યો હતો. અહેવાલ મળતાની સાથે જ રેડ્ડીના સમર્થકોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું અને આ લોકોએ કોંગ્રેસ પાર્ટીના બે કાર્યકરોને જારદાર ધોલાઈ કરી હતી. બંને કાર્યકરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નારાયણ ગ્રુપ અને તેમની હરીફ ટોળકી વચ્ચે વિવાદ ખુબ લાંબા સમયથી રહેલો છે. આ સંઘર્ષની સ્થિતિ વચ્ચે ક્ષેત્રિય રાજકીય પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિના નેતાની ક્રૂર હત્યા કરી દેવામાં આવતા સ્થિતિ વણસી ગઈ છે. હજુ સુધી આ મામલામાં કોઇ કેસ દાખલ કરવામાં આવ્યો નથી. ગ્રામિણ વિસ્તારોમાં તંગદિલી વધી રહી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઇને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે. સાવચેતીના તમામ પગલા લેવાયા છે.

 

 

Share This Article