અમદાવાદ : ૭૯ આઈએએસ અધિકારીઓની બદલી બાદ આજે વધુ છ આઇએએસની બદલી કરવામાં આવતાં બ્યુરોક્રેસી વર્તુળમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ બદલીઓમાં એમ.એસ.પટેલને વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુકિતને હજુ એક અઠવાડિયુ પણ નથી થયુ અને તેમણે ચાર્જ પણ સંભાળ્યો નથી ત્યાં જ તેમની આ નિમણૂંક રદ કરવામાં આવી છે અને તેમના સ્થાને જમીન સુધારણા કમિશનર એન.બી.ઉપાધ્યાયને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે એમ.એસ.પટેલને મ્યુનિસિપલ વહીવટી સચિવ તરીકે ચાલુ રાખવામાં આવ્યા છે.
આમ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકે એમ.એસ.પટેલ ચાર્જ સાંભળે તે પહેલા જ નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે નલિન ઉપાધ્યાયને મુકવામાં આવતાં ભારે ચકચાર મચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, અજય ભાદુના ગયા બાદ વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે કલેક્ટર શાલિની અગ્રવાલને વધારાનો ચાર્જ સોંપાયો હતો. ત્યારબાદ તા.૩૦ ઓગસ્ટે એમ.એસ.પટેલને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા હતા. પરંતુ એક સપ્તાહમાં જ વીએમસીના કમિશનર બદલાયા છે. જ્યારે રાજ્ય સરકારના પ્રિન્સિપલ સેક્રેટરી(એનઆરઆઇ અને આર્ટ) સી.વી.સોમને રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી એવા આર.સી. મીણાને સામાન્ય વહીવટ વિભાગમાં સચિવ(એનઆરઆઈ અને આર્ટ)બનાવવામાં આવ્યા છે.
તો લઘુ અને મધ્યમ ઉદ્યોગ કમિશનર યોગેશ બબનરાવ નિર્ગુડેને અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગ(મ્યુનિસિપાલિટી)ના રિજનલ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનર રાકેશ શંકરને સામાન્ય વહીવટ વિભાગ(પ્લાનિંગ)ના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નવી બદલીઓને લઇ બ્યુરોક્રેસી વર્તુળમાં ભારે ખળભળાટ મચી ગયો છે. નોંધનીય છે કે, એક સપ્તાહ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ રાજયના ૭૯ આઇએએસ અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી હતી અને તેના એક સપ્તાહમાં જ ફરી છ આઇએએસની બદલીઓને લઇ અટકળો અને ચર્ચા શરૂ થયા છે.