સ્માર્ટ એડિટિંગ સાથેની સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ “કારખાનું”નું ટ્રેલર લોન્ચ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read
Official Trailer

સામાન્ય માણસોની વાતો અને તેમના રોજિંદા જીવનમાં કાંઈક અલગ બનતી ઘટનાઓ દર્શાવતી ફિલ્મ દર્શકોને વધુ આકર્ષે છે. એમાં પણ રોજિંદા જીવનમાં કોઈ વ્યક્તિને ભૂતની અનુભૂતિ થઈ જાય તો? આવું જ કાંઈક લઈને આવી રહી છે અપકમિંગ ગુજરાતી ફિલ્મ “કારખાનું.” ફિલ્મનું નામ સાંભળતા જ લોકોને આશ્ચર્ય થાય કે આખરે આ ફિલ્મમાં હશે શું? કાંઈક નવી જ વાર્તા ધરાવતી આ ફિલ્મ પેનોરમા સ્ટુડિયોઝના બેનર હેઠળ “મર્કટ બ્રોસ” પ્રોડક્શન હાઉસ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલર જોતાં લાગે છે કે આ ફિલ્મનું એડિટિંગ દમદાર છે. છેલ્લે કાજલ ઓઝા વૈદ્યનો ડાયલોગ ફિલ્મ અંગે વધુ વિચારવા મજબૂર કરી દે તેમ છે. તેમની સાથે અર્ચન ત્રિવેદી, મકરંદ શુક્લા, રાજૂ બારોટ જેવા પ્રતિભાશાળી કલાકારોની સાથે પાર્થ મધુકૃષ્ણ, હાર્દિક  શાસ્ત્રી, હર્ષદીપસિંહ જાડેજા અને દધીચી ઠાકર જેવા યુવા કલાકારો એ પોતાની અદ્ભૂત એક્ટિંગ દ્વારા ફિલ્મમાં ચાર ચાંદ લગાડી દીધા છે. અર્ચન ત્રિવેદીનો કોમેડી ટાઈમિંગ જબરદસ્ત હોય છે એટલે આ ફિલ્મ થકી અપેક્ષાઓ વધી જાય છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 2 ઓગસ્ટ , 2024ના રોજ રિલીઝ થઇ રહી છે.

ફિલ્મનું નિર્દેશન ઋષભ થાનકી એ કર્યું છે. ગુજરાતી ફિલ્મોને નવા આયામો ઉપર લઈ જવાના સંકલ્પ સાથે મર્કટ બ્રોસની ટીમ આ ફિલ્મ લઈને આવી રહી છે જે પાર્થ મધુકૃષ્ણ, ઋષભ થાનકી તથા પૂજન પરીખ દ્વારા લિખિત છે. ફિલ્મનું બીજીએમ સરાહનીય છે જે ફિલ્મની વાર્તાને સાર્થક કરે છે. ફિલ્મના ટ્રેલર ઉપરથી સ્પષ્ટ થાય છે કે કારખાનું ખરેખર વિશેષ ફિલ્મ છે. ટ્રેલર અથવા પોસ્ટર જોઈને કોઈ ધારણા બાંધતા નહીં, કેમ કે કારખાનું માટે કરેલું દરેક પ્રિડીક્શન ખોટું જ પડશે. સૌરાષ્ટ્રની તળની કોઈ લોક-વાર્તાને લઈને  નવી ટેક્નોલોજી અને હોલીવુડ કક્ષાની આ ફિલ્મ બની છે. તળપદી ભાષાના ડાયલોગ્સ પણ મજ્જો પડાવી દે તેવા છે. ફિલ્મમાં એક ગામની વાત કરવામાં આવી છે જ્યાં એક કારખાનામાં 3 કારીગરો રાત્રે કામ અર્થે જાય છે અને ત્યાં ભૂત હોવાની વાતની જાણ થતાં આગળ શું થાય છે તે તો આ ફિલ્મ થકી જ જોવું રહ્યું. ટૂંકમાં કહી શકાય કે આ એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મ છે. તો આવી  રહી છે ફિલ્મ “કારખાનું” 2 ઓગસ્ટ, 2024ના રોજ.

Share This Article