ગાંધીનગરના સેક્ટર -૭માં નિવૃત અધિકારીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ગાંધીનગરના સરગાસણ સૌદર્ય – ૪૪૪ માં એક સાથે છ ફ્લેટના તાળા તૂટયાની શાહી હજી સુકાઈ નથી, ત્યા સેક્ટર – ૭ માં પણ પુરવઠા નિગમના નિવૃત અધિકારીના બંધ મકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. મકાનમાં ત્રાટકીને ૫૦ હજાર રોકડા અને દોઢ કિલો ચાંદીની વસ્તુઓ સહિત કુલ રૂ. ૧.૩૭ લાખની મત્તા ચોરીને ફરાર થઈ જતાં સેક્ટર- ૭ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દિવાળીના તહેવારોમાં તસ્કરોને મોકળુ મેદાન મળી ગયું હોય એમ સરગાસણની સૌદર્ય-૪૪૪ માં એક સાથે છ બંધ ફ્લેટનાં તાળા તોડી તરખાટ મચાવી દેવાયો હતો. હજી આ ઘટનાની શાહી સુકાઈ નથી એવામાં સેક્ટર – ૭/એ નાં બંધ મકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

ગાંધીનગરના સેક્ટર – ૭/એ પ્લોટ નંબર ૨૭૫/૧ માં રહેતા ૬૨ વર્ષીય અજયભાઈ ઠાકોરલાલ ગાંધી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ (ભુજ) માં નાયબ જિલ્લા મેનેજર તરીકે સને-૨૦૧૮ મા નિવૃત થયા હતા. તા.૩૦ મી ઓક્ટોબરના રોજ સાજે અજયભાઈ પરીવાર સાથે અંબાજી દર્શન અર્થે ગયા હતા. દર્શન કરી રાત્રીના સમયે ત્યાંની હોટલમાં રોકાયા હતા. બાદમાં બીજા દિવસે ૩૧મી ઓક્ટોબરે ઘરે પરત આવતાં ઘરના મુખ્ય દરવાજાનું તાળુ તૂટેલું જોઈ ચોંકી ઉઠયા હતા. ત્યારબાદ બાજુના દરવાજાથી નકુચો ખોલી ઘરની અંદર મુકેલી લોખંડની ત્રણ પૈકી એક તિજોરી આખી તૂટેલી હાલતમાં જોવા મળી હતી. જ્યારે બીજી બીજી તિજોરીમાં કપડા તેમજ પર્સ મુકેલા હતા. તે વેર વિખેર પડ્યા હતા.

ત્રીજી તિજોરીમાં મુકેલા રૂપીયા ૫૦ હજાર રોકડા અને તેની અંદરના લોકરમાં સાત જોડી ચાંદીની પાયલ, એક કમરબંધ તથા બે જુડા, ચાર નાના બાળકોના કંદોરા, ત્રણ જોડી બાળકોના કડા, ચા૨ નંગ નાની ચાંદીની બંગડી, માતાજીના પગલા, ચાંદીનુ નાનુ શિવલીંગ મુકવાનું થડુ, ચાંદીના સિક્કા ૨૫ નંગ, પારણું, મંદીરમાંથી બે મુર્તિ અન્ય મુર્તિઓ (૭-નંગ), લેપટોપ બેગ એમ કુલ દોઢ કિલો ચાંદીની વસ્તુઓ સહિત અન્ય વસ્તુઓ મળી કુલ રૂ. ૧.૩૭ લાખની મત્તા તસ્કરો ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવના પગલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article