અમદાવાદની સ્થાપના વિશે વાત કરીએ તો, જેટલુ લખીએ તેટલુ ઓછુ છે,
આમ તો, અમદાવાદ શહેરની સ્થાપના સમયથી અત્યાર સુધી એક પ્રચલિત કહેવત છે કે,
‘જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહ ને યે નગર બસાયા’
બાદશાહ અહમદશાહ રાજધાનીની શોધમાં હતા અને જ્યારે તેઓએ કર્ણાવતી નગર હાલનું અમદાવાદ ઉપર સસલા ને કૂતરા પાછળ દોડતું જોઈ વિરભૂમી તરીકે રાજધાની માટે પસંદ કર્યું.
અહમદશાહ એ સરખેજ ના સંત શેખ અહમદ ખટ્ટુગંજ બક્ષની સલાહથી સાબરમતી નદીના કિનારે શહેર આબાદ બને અને તેના નામ પરથી અહમદાબાદની 26 ફેબ્રુઆરી 1411 ના રોજ સ્થાપના કરી. આ સાથે અહમદશાહે રાજધાની પાટણથી અહમદાબાદ સ્થળાંતરિત કર્યુ જેને હાલ અમદાવાદ તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં એલિસ બ્રિજના પૂર્વ છેડે જ્યાં માણેક બુર્જ છે ત્યાં શહેરની પ્રથમ ઈંટ મુકાઈ અને ત્યારબાદ ભદ્રનો કિલ્લો બાંધવામાં આવ્યો.
વાત કરી અમદાવાદની તો અમદાવાદ શહેરનો આજે 612મો સ્થાપના દિવસ છે. સાબરમતીની ગોદમાં રમતા અમદાવાદની ભૂમિ અદ્ભુત ઘટનાઓની સાક્ષી પણ બની રહી છે. અમદાવાદ શહેર ઇતિહાસમાં ઘણા મહત્વપૂર્ણ કારણોથી પણ પ્રસિદ્ધ છે, અને એ છે મહાત્મા ગાંધીએ અહીં સાબરમતીના કિનારે સ્થાપેલો ગાંધી આશ્રમ. સાબરમતી નદીના પટમાં રીવર ફ્રન્ટ યૉજનાથી શહેરની રૉનક બદલાઈ છે. આ પહેલા વર્ષ 1960થી 1970 સુધી અમદાવાદ ગુજરાતની રાજધાની હતી.
સમગ્ર ભારતમાં સૌપ્રથમ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત કરનાર આપણું અમદાવાદ જ છે. મહાત્મા ગાંધી, સરકાર પટેલથી લઈને વિક્રમ સારાભાઈથી લઈને અનેક મહાપુરૂષોના ઘડતરમાં અમદાવાદનો ફાળો રહ્યો છે. આ શહેર આજે પણ તેના ઈતિહાસ સાથે જીવી રહ્યું છે… અને પોતાનો વારસો સાચવીને રાખ્યો છે. શહેરમાં અનેક ઐતિહાસિક અને પૈરાણિક સ્થળ છે જેમાં શહેરમાં ગાંધી આશ્રમ, સરદાર પટેલ સ્મારક, કાંકરિયા તળાવ, હઠીસિંહના દેરા, સાયન્સ સિટી, અડાલજની વાવ, સીદીસૈયદની જાળી, જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, સ્વામિનારાયણ મંદિર, ભાગવત વિદ્યાપીઠ, માણેક ચોક, રાણીનો હજીરો, સાબરમતિ રિવરફ્રન્ટ, તિરૂપતિ બાલાજી મંદિર, ઈસરો જેવા અનેક સ્થળો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.
અમદાવાદના લોકોની સેવા માટે ચાલતી બીઆરટીએસની બસોએ પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. ભારતની અંદર સૌથી શ્રેષ્ઠ બીઆરટીએસ નેટવર્ક અમદાવાદમાં છે. તેનું સંચાલન અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે.
કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે તેને ‘માન્ચેસ્ટર ઑફ ધ ઈસ્ટ’ તરીકે ઓળખવામાં આવતું હતું.
અમદાવાદનું રાજકીય ક્ષેત્રે પણ ખૂબ જ મહત્વનુ શહેર છે. જેમાં ગાંધીજીનું કોચરબ આશ્રમ, ગુજરાત વિદ્યાપીઠ, વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઇનો ઉછેર, અને અનેક મોટી ઇન્સ્ટટીયુટની સ્થાપના પણ અમદાવાદમા થઇ છે.
નવી આશાઓ સાથે આજે અમદાવાદ આગળ વધી રહ્યુ છે ત્યારે વ્હાલા અમદાવાદને હેપ્પી બર્થ ડે …