અમદાવાદ : ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠક પર વિજય સંકલ્પ સંમેલન યોજવાની ભાજપે તૈયારી કરી લીધી છે. લોકસભાને લઈને જારદાર તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાઈ છે. ભાજપા દ્વારા આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભમાં તારીખ ૨૪ થી ૨૭ માર્ચ, ૨૦૧૯ દરમ્યાન ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પર વિજય સંકલ્પ સંમેલનો યોજાશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તારીખ ૨૬ માર્ચે ગાંધીનગર ખાતે યોજાનાર વિજય સંકલ્પ સંમેલનમાં સવિશેષ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તારીખ ૨૪ માર્ચે મહેસાણા ખાતે, તારીખ ૨૫ માર્ચે બારડોલી ખાતે, તારીખ ૨૬ માર્ચે સાબરકાંઠા તેમજ પોરબંદર ખાતે ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી તારીખ ૨૪ માર્ચે સુરેન્દ્રનગર ખાતે, ૨૫ માર્ચે વડોદરા ખાતે અને ૨૬ માર્ચે ગાંધીનગર લોકસભા બેઠક પર ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ ૨૬ માર્ચે રાજકોટ ખાતે, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા ૨૪ માર્ચે સુરત ખાતે, ૨૫ માર્ચે બનાસકાંઠા ખાતે અને ૨૬ માર્ચે રાજકોટ ખાતે, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ૨૫ માર્ચે જુનાગઢ, ૨૬ માર્ચે ભરૂચ ખાતે તથા કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર ૨૬ માર્ચે પંચમહાલ ખાતે અને ૨૭ માર્ચે દાહોદ ખાતે ઉપસ્થિત રહેશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ૨૪,૨૫ અને ૨૬ માર્ચે અનુક્રમે મહેસાણા, પાટણ અને જામનગર ખાતે વિજય સંકલ્પ સંમેલનમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ ઉપરાંત મંત્રીઓ અને પ્રદેશના હોદ્દેદારઓ જે તે લોકસભામાં વિજય સંકલ્પ સંમેલનોમાં ઉપસ્થિત રહેશે.