રાજસ્થાન, ગુજરાત, એમપીમાં આંધી-તોફાન : ૩૨ મોત થયા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

નવી દિલ્હી : અરબી દરિયા અને બંગાળના અખાતમાં આવેલા નરમ અને ઠંડા પવનની વચ્ચે ટક્કરના કારણે મંગળવારે મોડી રાત્રે ચક્રવાતી તોફાન આવી જતા ભારે નુકસાન થયુ છે. જેના કારણે હજુ સુધી ઓછામાં ઓછા ૩૨ લોકોના મોત થયા છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ભારે વરસાદ, કરા પડવાના કારણે ભારે ઉત્તેજના છવાઇ ગઇ હતી. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત તેમજ ઉત્તરપ્રદેશ સહિત જુદા જુદા રાજ્યોમાં ભારે નુકસાન થયુ છે. એમ કહેવામાં આવે છે કે એકલા રાજસ્થાનમાં જ તોફાનના કારણે ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે. ભારે વરસાદ અને તોફાનના કારણે ઉત્તર ભારતમાં તાપમાનમાં જારદાર ઘટાડો થયો હતો.ઝડપી પવન ફુંકાવવાના કારણે સેંકડોની સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા હતા.

તોફાનના કારણે કેટલાક વાહનોને પણ નુકસાન થયુ છે. વીજળીનો પુરવઠો ખોરવાઇ ગયો છે. વરસાદ અને કરા પડવાની ઘટનાના કારણે જનજીવન ખોરવાઇ ગયુ છે. જયપુરમાં તાપમાન ઘટીને ૧૧.૬ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયુ હતુ. રાજસ્થાનના ચિત્તોડગઢમાં ૨૨મીમી વરસાદ થયો છે. રાજસ્થાનના બસ્સી અને જમવારાડમાં દિવાલ ધરાશાયી થતા બે લોકોના મોત થયા હતા. ગુજરાતમાં પણ આંધી તોફાનના કારણે ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા હતા.

અમદાવાદ શહેર સહિત રાજયભરમાં  ગઇકાલે મંગળવારના દિવસે અચાનક હવામાનમાં જબરદસ્ત પલ્ટો આવ્યો હતો અને વાતાવરણ એકદમ વાદળછાયુ અને ઠંડકવાળુ બનવાની સાથે સાથે જારદાર રીતે પ્રચંડ પવન સાથેનું વાવાઝોડું ફુંકાયું હતું. અમદાવાદ શહેર, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના સહિતના કેટલાક વિસ્તારોમાં જારદાર વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડયો હતો અને તો, સૌરાષ્ટ્રમાં મોરબી, વાંકાનેર, ધ્રોલ, ટંકારા સહિતના પંથકોમાં તો કરા સાથેનો જારદાર વરસાદ તૂટી પડયો હતો.

બનાસકાંઠાના કાંકરેજ, દિયોદર અને વાવ તાલુકામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ તથા કરા પડ્‌યા હતા. જને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં એકબાજુ, વરસાદ અને પ્રચંડ વાવાઝોડાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી તો, બીજીબાજુ, ખેડૂતોમાં કેરીના પાક સહિતના પાકને નુકસાનની દહેશતને લઇ ચિંતાની લાગણી પ્રસરી ગઇ હતી. આજે અમદાવાદ ઉપરાંત, વિરમગામ, માંડલ, દેત્રોજ સહિતના પંથકોમાં પણ ભારે વાવાઝોડા સાથે વરસાદ પડયો હતો. તો, અમદાવાદ શહેર સહિત રાજયના મોટાભાગના જિલ્લા અને તાલુકાઓમાં પ્રચંડ વાવાઝોડાના કારણે વાતાવરણ ધૂળિયુ અને રજકણોયુકત બની ગયુ હતુ. ઉત્તરપ્રદેશમાં હજુ તોફાનની શક્યતા રહેલી છે.વાવાઝોડાના કારણે જનજીવન પર અસર થઇ હતી.

Share This Article