ત્રણ દિકરીને કૂવામાં ફેંકી જવાનએ ગળેફાંસો ખાધો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

જૂનાગઢ જિલ્લાના ભેસાણના ખંભાળિયા ગામે જીઆરડી(ગ્રામ રક્ષક દળ) જવાન રસીકભાઇ દેવાભાઇ સોલંકીએ પોતાની ત્રણ દિકરીઓને પરબ ફરવા લઇ જવાના બહાને વાડીએ લઇ ગયો હતો અને અચાનક પોતાની ત્રણ દિકરીઓને એક પછી એક એમ ત્રણેયને કૂવામાં ફેંકી દીધી હતી. ત્રણયે માસૂમ દિકરીઓના કૂવાના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા હતા. બાદમાં પિતા જીઆરડી જવાને પણ ઝેરી દવા પીધી હતી, પરંતુ દવા પીધા પછી કોઇ અસર ન થતા ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ ભેસાણ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી તમામના મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. ૧૫ દિવસ પહેલા જ હજુ જીઆરડી જવાનના ત્યાં ૪થી પુત્રીનો જન્મ થયો હતો. પરંતુ તે તેની માતા પાસે જીવિત બચી ગઇ છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં આર્થિક તંગી અથવા પુત્ર પ્રાપ્તિની ઘેલછાના કારણે આવું પગલું ભર્યાનું બહાર આવ્યું છે. પરંતુ સાચી હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. અહીં પોતાની ત્રણ દિકરી રીયા (ઉ.વ.૯) કે જે ધો-૪માં ભણતી હતી, અંજલી (ઉ.વ.૭) કે જે, ધો-૨માં ભણતી હતી અને જલ્પા (ઉ.વ.૨)ને ગયી કાલે સવારે સાડા નવ વાગ્યે કૂવામાં ફેંકી દીધી હતી. બાદમાં પોતે દવા પી લીધી હતી પરંતુ દવાની કોઇ અસર ન થતા ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઇ જીંદગી ટૂંકાવી હતી. એક જ પરિવારના ચારના મોતથી સોલંકી પરિવારમાં શોકનો માતમ છવાઇ ગયો હતો. રસીકભાઇ ભેસાણમાં નાઇટમાં જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતા હતા.

Share This Article