અમદાવાદઃ અમદાવાદ શહેરના પશ્વિમ વિસ્તારમાં ફોરવ્હીલ ગાડીઓની ચોરીઓ કરતી ટોળકીના ત્રણ ઈસમોને પકડી લઈ તેમની પાસેથી ચોરીની ૨૮ જેટલી કાર કબ્જે કરીને ૨૫૧ જેટલા કાર ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
મળતી માહિતી મુજબ, ક્રાઈમ બ્રાંચની ટીમ જ્યારે પેટ્રોલીંગ પર હતી ત્યારે બાતમીના આધારે આરોપી અરવિંદભાઈ દુલાભાઈ માણીયા (પટેલ) રહે. બાવળાનાને ઝડપી પાડ્યો છે. અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી છેલ્લા કેટલાક સમયથી ફોરવ્હીલ ચોરીના ગુન્હાઓ વધુ પ્રમાણમાં બની રહ્યા છે.
ચોરીના ગુન્હા વધતા ચોરાવાળી જગ્યાઓની ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તથા માણસો દ્વારા વિઝીટ કરવામાં આવતી હતી અને જગ્યાની આજુબાજુના સીસીટીવી ફુટેજ મેળવી તેમજ જે-તે વિસ્તારના ટાવર-ડેટા જેવા ટેકનીકલ-સોર્સનો ઉપયોગ કરવામાં આવી રહેલ હતો. સીસીટીવી ફુટેજના આધારે જે જગ્યાએ ચોરી થતી તે જગ્યાની આસપાસ તે સમયે એક સિલ્વર રંગની કાર જોવા મળતી હતી જે આધારે ઝીણવટપૂર્વકની માહિતી મેળવીને કાર દરેક ચોરીના બનાવ બાદ બાવળા તરફ જતી હોવાનું બહાર આવ્યું હતું. આરોપી પાસેથી મળી આવેલ કાર બાબતે પુછપરછ કરતા આ કાર વડોદરા માંજલપુર વિસ્તારમાં રહેતા તેના મોટા ભાઈ હરેશ દુલાભાઈ માણીયા સાથે મળીને આ કાર ચોરી કરી હોવાનું કબુલ્યું છે. તેનો મોટાભાઈ બીએએમએસ ડોક્ટર છે અને હાલ તે બલદાણા ખાતે દવાખાનું ચલાવે છે.
આરોપી પાસેથી જે કાર મળી આવી છે તે વડોદરા માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલ નિલકંઠ પાર્ટી પ્લોટ ખાતેથી ચોરી કરી હતી. આરોપીની વધુ પુછપરછ કરતા તેના ભાઈ હરેશ દુલાભાઈ માણીયા સાથે મળી વર્ષ ૨૦૧૪થી હાલ સુધીમાં અમદાવાદ શહેરમાં એસજી હાઈવે, સોલા ભાગવત તથા વસ્ત્રાપુર વિસ્તારમાંથી અલગ-અલગ ૨૫૧ જેટલી ગાડીઓ ચોરી કર્યા હોવાનું બહાર આવ્યું છે. ચોરી કરવા માટે બંન્ને ભાઈઓ પોતાના કબ્જાની કોઈપણ ચોરીની કાર લઈને જતા અને શહેરમાં રોડ ઉપર પાર્ક કરેલી અલગ-અલગ ગાડીને ટારગેટ કરી ગાડીની બાજુમાં પોતાની કાર ઉભી રાખી દઈ ટારગેટ કરેલ કારને હરેશ દુલાભાઈ ડુપ્લીકેટ ચાવી વડે ખોલી ચોરી કરી લેતો હતો.
ચોરી કર્યા બાદ આ બંન્ને ભાઈઓ બાવળા તરફ જતા રહેતા અને ત્યાંથી ચોરીની કાર અરવિંદ દુલાભાઈ લઈને આ કાર પોતાના ઓળખીતા રાજકોટ ખાતેના તાહીર અનવરભાઈ વોરા નામના વ્યક્તિને આપતો હતો. દરેક ગાડીદીઠ તાહીર વોરા તેને ૩૦થી ૩૫ હજાર રૂપિયા રોકડા આપતો અને તેમાંથી બંન્ને ભાઈઓ સરખા ભાગે નાણા વહેચી લેતા હોવાની આરોપીએ કબુલાત કરી છે. આરોપીઓ ગાડી ચોરી કર્યા બાદ અસલ રજીસ્ટ્રેશન નંબરવાળી નંબર પ્લેટ બદલીને અન્ય ખોટી નંબરની નંબર પ્લેટો આરોપીઓ બદલી નાખતા હતા.