મોરબી : મોરબીમાં અનુસૂચિત જાતિના યુવકને માર મારવાના કેસમાં વધુ ત્રણ આરોપીની અટકાયત કરવામાં આવી છે. ફરાર ત્રણ આરોપી પ્રિત, ક્રિશ અને પરીક્ષિત નામના આરોપીની પોલીસે અટકાયત કરી છે. આપને જણાવી દઈએ કે અગાઉ વિભુતી પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ સહિત ૩ આરોપી પોલીસ સમક્ષ હાજર થયા હતા. જેથી પોલીસે તેમની અટકાયત કરી હતી.અત્યાર સુધી કુલ સાત આરોપી પોલીસ પકડમાં આવી ગયા છે. મહત્વનું છે કે દલિત યુવક નિલેશ દલસાણીયા રાણીબા ઈન્ડસ્ટ્રીઝના એક્સપોર્ટ વિભાગમાં કામ કરતો હતો. કંપની સંચાલકો પાસે ૧૬ દિવસનો બાકી પગાર માગ્યો હતો. આરોપ છે કે પગાર માગવાની સાથે જ સંચાલકોએ દલિત યુવકને બોલાવીને ઢોર માર માર્યો હતો. જાતિ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરાઈ અને તેને મોઢામાં પગરખાં પણ પકડવા મજબૂર કરાયો હતો. જેનો તેમની સામે આરોપ છે. તે રાણીબા ઈન્ડસ્ટ્રીઝના સંચાલિકા વિભૂતિ પટેલનું રાજકીય કનેક્શન હોવાની પણ ચર્ચાઓ ઉઠી હતી. ત્યારે હવે આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થતા તેઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
