અમદાવાદઃ ભારતમાં મેદસ્વીતા કે સ્થૂળતાનું પ્રમાણ રોગચાળાના સ્તરે પહોંચી ગયું છે, છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન તેના પ્રમાણમાં થયેલાં ચિંતાજનક વધારાને પરિણામે તે હવે દેશમાં સૌથી મોટી આરોગ્ય કટોકટી બનવા તરફ આગળ વધી રહ્યું છે. કેટલાંક અભ્યાસોમાં જણાવ્યાં અનુસાર દેશની લગભગ 5% વસતિ રોગગ્રસ્ત મેદસ્વીપણાથી પ્રભાવિત છે. ઓલ ઇન્ડિયા એસોસિયેશન ફોર એડવાન્સિંગ રિસર્ચ ઇન ઓબેસિટી (એઆઇએઆરઓ) દ્વારા 13થી 15 ડિસેમ્બર દરમિયાન અમદાવાદમાં તેની 17મી વાર્ષિક કોન્ફરન્સ “ઓબેસિટી ઇન્ડિયા 2024″નું આયોજન કરવામાં આવ્યું છે. વર્લ્ડ ઓબેસિટી ફેડરેશન દ્વારા સમર્થિત આ ઇવેન્ટમાં નિષ્ણાતો, સંશોધકો અને પ્રેક્ટિશનર્સને, ભારત અને વિશ્વ માટે સૌથી મહત્ત્વના આરોગ્ય પડકારોમાં પૈકીના એક એવા મેદસ્વીપણા અંગેની ચર્ચા કરવા માટે એક મંચ પર લાવવામાં આવ્યા છે.
ઓબેસિટી સર્જન, એન્ડોક્રિનોલોજિસ્ટ્સ, ડાયાબિટોલોજિસ્ટ્સ, ફિઝિશિયન્સ, ન્યુટ્રિશનિસ્ટ્સ અને એજ્યુકેટર્સ જેવા હેલ્થકેર પ્રોફેશનલ્સ સહિત 500થી વધુ પાર્ટિસિપન્ટ્સ સાથે આ કોન્ફરન્સ ઈન્ટરડિસિપ્લિનરી સહયોગની સુવિધા આપશે અને મેદસ્વીપણાની સમજણ અને વ્યવસ્થાપનમાં થયેલી પ્રગતિ અંગે જાણકારીની આપલે કરશે. તેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો સાથે નેટવર્કિંગની તક તથા જ્ઞાનની વહેંચણીના અનેક સત્રો પણ યોજાશે.
એઆઈએએઆરઓ (AIAARO)ના પ્રમુખ અને કોન્ફરન્સના ઓર્ગેનાઇઝિંગ ચેરમેન ડો.મહેન્દ્ર નરવરિયાએ જણાવ્યું હતું કે, “ઓબેસિટી ઇન્ડિયા 2024ના આયોજન દ્વારા, અમારું લક્ષ્ય લોકોમાં મેદસ્વીતા અંગે જાગૃતિ લાવવાનું, તેની સાથે સંકળાયેલી હિન ભાવના ઘટાડવાનું અને આ રોગચાળાને દૂર કરવા માટે પુરાવા-આધારિત ઉકેલોને પ્રોત્સાહન આપવાનું છે. અમે સ્થૂળતા અંગેના શિક્ષણને શાળા/મેડિકલ કોલેજના અભ્યાસક્રમો અને જાહેર આરોગ્યની પહેલોમાં સંકલિત કરવા માટે માત્ર તબીબી સમુદાય સાથે જ નહીં, પરંતુ સમાજ અને નીતિ ઘડવૈયાઓ સાથે પણ જોડાઈશું. આ કોન્ફરન્સમાં એશિયા ઓસનિયા એસોસિયેશન ફોર ધ સ્ટડી ઓફ ઓબેસિટીના પ્રમુખ ગી હ્યુન કાંગ સહિતના જાણીતા વક્તાઓ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને વર્લ્ડ ઓબેસિટી ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ ફિલિપ શેરર દ્વારા ઓનલાઇન મુખ્ય સંબોધન કરવામાં આવશે.”
એઆઇએએઆરઓ (AIAARO)ના પૂર્વ અધ્યક્ષ અને પ્રોગ્રામ ચેર ડો.બંશી સાબુએ જણાવ્યું હતું કે, “અમદાવાદમાં બીજી વખત ઓબેસિટી ઇન્ડિયા કોન્ફરન્સ યોજાઇ રહી છે. તેમાં અત્યાધુનિક સંશોધન પ્રસ્તુતિઓ, ઇન્ટરેક્ટિવ વર્કશોપ અને નિષ્ણાત પેનલ ચર્ચાઓનું આયોજન કરાશે, જેનો ઉદ્દેશ સ્થૂળતા નિવારણ, વ્યવસ્થાપન અને સારવારની સમજણને આગળ વધારવાનો છે.”
આ સંમેલનમાં ભાગ લેનારા સહભાગીઓ મેદસ્વીતા પાછળના વિજ્ઞાન અંગે પણ ચર્ચા કરવા ઉપરાંત, પેથોફિઝિયોલોજી, લેટેસ્ટ સારવાર અને મૌંજારો અને સેમાગ્લુટાઇડ ઇન્જેક્શન જેવા નવીન વિષયો પર જાણકારીની આપલે કરશે. મેદસ્વીતા સાથે સંકળાયલી નાનપ કે હિનતાની લાગણીને દૂર કેવી રીતે કરી શકાય તે માટે નિષ્ણાતો જીવનશૈલીમાં ફેરફાર અને નિવારણ માટેના ઉપાયોની પણ ચર્ચા કરશે.
અગાઉ ઓબેસિટી સર્જરી સોસાયટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે સેવા આપનારા ડો. મહેન્દ્ર નરવરિયાએ એઆઇએએઆરઓ (AIAARO) ની સમાવેશક અને મલ્ટિડિસિપ્લિનરી પ્રકૃતિ પર પણ ભાર મૂક્યો હતો, જે મેદસ્વીપણાનો વ્યાપકપણે સામનો કરવા માટે વિવિધ હેલ્થકેર વ્યાવસાયિકોને એકમંચ પર લાવે છે. આ સોસાયટી છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે અને સમયની જરૂરિયાતને લગતા વિવિધ વિષયો પર આ પ્રકારની વાર્ષિક પરિષદોનું આયોજન કરે છે, આ વર્ષે તેનું આયોજન અમદાવાદમાં કરાયું છે. આ સોસાયટી વર્લ્ડ ઓબેસિટી ફેડરેશન સાથે સંકળાયેલી છે અને વિશ્વ આરોગ્ય સંસ્થાઓ (ડબ્લ્યુએચઓ) એનસીડી જોડાણ સાથે ભાગીદાર છે.