અસારવામાં માત્ર ૧૬ વર્ષની કિશોરીને પૂર્વ પ્રેમીની ધમકી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદઃ  શહેરના અસારવા વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની કિશોરી તાજેતરમાં પોતાના નાનાભાઇ સાથે સ્કૂલેથી પાછી ફરી રહી હતી ત્યારે અસારવા બ્રિજ પાસે તેમના જૂના પાડોશી પંકજ સોલંકીએ આ કિશોરીનો હાથ પકડીને તેને ઊભી રાખી હતી. પંકજે કિશોરીને છરી બતાવીને કહ્યું હતું કે, તું કેમ મારી સાથે વાત નથી કરતી? જો તું મારી સાથે વાત નહીં કરે તો હું તને મારી નાખીશ.

આ ઘટનાથી ભયભીત બનેલી કિશોરીનો ભાઈ ઘરે ગયો હતો અને તેની માતાને વાત કરી હતી. માતાએ સઘળી હકીકત જાણી પોતાની પુત્રીને હેરાન કરી પજવતા રોમીયો વિરૂધ્ધ શાહીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના અસારવા વિસ્તારમાં ૧૬ વર્ષની કિશોરી જયાં રહે છે ત્યાં તેની પાડોશમાં નજીકમાં રહેતા પંકજ સોલંકી દ્વારા અવારનવાર કિશોરીને રસ્તામાં આંતરી તેની પજવણી કરી પોતાની સાથે પ્રેમસંબંધ રાખવા દબાણ કરવામાં આવતું હતુ, પરંતુ કિશોરી હવે તેની સાથે કોઇ સંબંધ રાખવા નહી માંગતી હોવાનું જણાવતી હતી. જેનાથી ઉશ્કેરાઇ ત્રણ દિવસ પહેલાં કિશોરી જયારે પોતાના નાનાભાઇ સાથે સ્કૂલેથી પાછી ફરતી હતી, ત્યારે આ રોમીયો પંકજ સોલંકીએ તેણીને ફરીથી રસ્તામાં રોકી હતી અને તેને ધમકી આપી હતી કે, તું મારી સાથે વાત કેમ નથી કરતી. જો તું મારી સાથે વાત નહી કરે તો હું તને મારી નાંખીશ.

પૂર્વ પ્રેમીની ધમકીથી ગભરાઇ ગયેલી કિશોરી દોડતી દોડતી પોતાના નાના ભાઇને લઇને ઘેર આવી પહોંચી હતી અને તેની સાથે કરેલી હરકત તેમ જ આપેલી ધાકધમકી વિશે પોતાની માતાને જાણ કરી હતી. જેથી માતાએ આરોપી પંકજ સોલંકી વિરૂધ્ધ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી અનુસાર પંકજએ કિશોરીનો પૂર્વ પ્રેમી છે અને પાડોશી પણ હતો. તેની રંજાડગતિની હદ વધતાં આખરે કિશોરીની માતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article