દર વર્ષે 8 માર્ચે મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે. મહિલા સશક્તિકરણની દિશામાં વધુ એક પગલાં સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા આગામી ૮મી માર્ચના રોજ મહિલા દિન નિમિત્તે બેટી બચાવો,બેટી પઢાઓ થીમ આધારિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં રાજ્યની મહિલાઓ મોટી સંખ્યામાં જોડાય તે માટે રાજ્ય કક્ષાએ તથા જિલ્લા કક્ષાએ પણ મહિલાલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાશે, એમ મહિલા અને બાળ વિકાસ કમિશનરની યાદીમાં જણાવાયું છે.
સરકાર દ્વારા મહિલા સશક્તિકરણની દિશામાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને મહિલાલક્ષી યોજનાઓના સઘન અમલીકરણ દ્વારા તમામ વર્ગ-વિસ્તારની મહિલાઓને વિકાસ યાત્રામાં જોડવાના પરિણામલક્ષી પ્રયાસો સતત કરવામાં આવે છે. જો મહિલાઓ શિક્ષિત હોય, તાલીમ પામેલી હોય તો તે પોતાના પરિવારની સાથે સાથે સમગ્ર સમાજને પણ સાચી દિશા ચિંધે છે. મહિલા સશક્તિકરણની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પગલું લઇ આગામી વિશ્વ મહિલા દિનની ભવ્ય ઉજવણીનું આયોજન કર્યુ છે.
આ ઉપરાંત થીમ આધારિત વિવિધ કાર્યક્રમો જેવા કે મહિલા સુરક્ષા દિન, સ્વાવલંબન દિવસ, નેતૃત્વ દિવસ, આરોગ્ય દિવસ, શિક્ષણ દિવસ, સ્વચ્છતા જાગૃતિ દિવસ, કાનૂની જાગૃતિ દિવસ યોજાશે. મહિલા બાઇક રેલીનું પણ વિવિધ સ્થળોએ આયોજન કરવામાં આવશે. સ્ત્રીભૃણ હત્યા નાબુદી, દિકરો-દિકરી એક સમાન, બાળ અને માતા મૃત્યુ દર ઘટાડવા જનજાગૃતિ કાર્યક્રમો પણ યોજાશે. મહિલા સંમેલનો અને અન્ય કાર્યક્રમોના સ્થળે ૧૮૧ અભયમ, વન સ્ટોપ સેન્ટર, મહિલા શક્તિ કેન્દ્ર, ગ્રામ વિકાસ ખાતાની મહિલાલક્ષી યોજનાના લાભના સ્ટોલ યોજી મહિલાઓને વિવિધ યોજનાઓથી વાકેફ કરાશે. લાઇવ રસોઇ શો, આધાર ટેબ્લેટ, આધાર કાર્ડ નોંધણી, ઉજ્જવલા યોજના તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ પણ યોજાશે.
૮મી માર્ચે સમગ્ર વિશ્વમાં ઉજવાતા મહિલા દિનની થીમ આધારિત ઉજવણી કરવા આ વર્ષે બેટી બચાવો, બેટી પઢાવોના થીમ આધારે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મુખ્ય કાર્યક્રમ યોજાશે જ્યારે જિલ્લા કક્ષાએ પણ વિવિધ મંત્રીઓ અને પ્રભારી સચિવોની ઉપસ્થિતિમાં મહિલાલક્ષી કાર્યક્રમો યોજાશે. મહિલા દિન નિમિત્તે વિવિધ સ્થળોએ મહિલા સંમેલનોનું મોટા પાયે આયોજન કરાશે જેમાં વિશિષ્ટ કામગીરી કરેલ મહિલાઓનું સન્માન, વિધવા તાલીમ કીટ, ડસ્ટબીન વિતરણ, માતા યશોદા એવોર્ડ, જુદી જુદી યોજનાઓ હેઠળ કીટ વિતરણ કરાશે તથા ઉપસ્થિત મહાનુભાવો સાથે પરામર્શ યોજાશે.
મહિલા બાળવિકાસ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, પંચાયત વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, કૃ્ષિ, પશુપાલન અને સહકાર વિભાગ, શિક્ષણ વિભાગ, ગૃહ વિભાગ, રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ, શહેરી વિકાસ વિભાગ અને સામાજિક અધિકારીતા વિભાગના સહયોગથી યોજાનારા આ કાર્યક્રમમાં મહિલાઓ મોટી સંખ્યામાં ભાગ લઇ મહિલા સશક્તિકરણ અને મહિલાઓના સર્વાંગી વિકાસમાં સહભાગી થશે.