અમદાવાદ : અમદાવાદના સેટેલાઇટ-જોધપુર રોડ પાસે આવેલ ઇસરો(ઇન્ડિનય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન)માં આજે અચાનક આગની ઘટના સામે આવતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જા કે, આગની ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડના કાફલાએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઇ યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરી આગ બુઝાવી દીધી હતી.
જો કે, ઇસરોમાં આગ લાગવાના બનાવને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને ઇસરોના કર્મચારીઓ-અધિકારીઓમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. અમદાવાદ સ્થિત ઈસરોની કચેરીમાં સ્ટોર રૂમમાં આગ લાગી હોવાની ઘટના નોંધાતાં તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરી હતી. સ્ટોરની સરસામાન, સ્ટેશનરી સહિતનો મુદ્દામાલ બળીને ખાખ થઇ ગઇ હતી. જો કે, આ બનાવમાં કોઇ ઇજા કે જાનહાનિ નોંધાઇ ન હતી. ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ઈસરોમાં પહોંચી ગયા હતા. ફાયરબ્રિગેડના જવાનો પણ છ ફાયર ફાઈટર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને યુધ્ધના ધોરણે આગક બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. લગભગ દોઢથી બે કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લઇ શકાઇ હતી. જા કે, આ બનાવને પગલે ઇસરોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જા કે, આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ગત મે ૨૦૧૮ માસમાં પણ ઈસરોમાં આવેલી એન્ટેના ટેસ્ટિંગ લેબના યૂ ફોર્મમાં આગ લાગી હતી અને તે ખૂબ જલદી ફેલાઈ ગઈ હતી. એ વખતે પણ ૨૫ ફાયર ફાઈટર અને ૭૫ જવાનોની મદદથી ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. આગની ઘટનામાં સીઆરપીએફના એક જવાનને ધૂમાડાની અસર થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જા કે, આગની આજની ઘટનામાં કોઇ ઇજા કે જાનહાનિ નહી નોંધાતા સૌકોઇએ રાહતનો દમ લીધો હતો.