નવીદિલ્હી : પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદના લીડર મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાંઅડચણો ઉભી કરવાના પોતાના વલણનો ચીને બચાવ કર્યો છે. ચીને કહ્યું છે કે, આનાથી વિવાદના સ્થાયી સમાધાન માટે સંબંધિત પક્ષોએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મંત્રણામાં મદદ મળશે. મસુદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પગલાનો વિરોધ કેમ કર્યો છે તે અંગે પૂછવામાં આવતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, ચીનનો આ નિર્ણય સમિતિના નિયમો મુજબ છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કાંગે કહ્યું છે કે, મંત્રણાથી વિવાદનો ઉકેલ આવે તેવી અમારી ઇચ્છા છે.
ચીનને હકીકતમાં આશા છે કે, આ સમિતિના પગલા સંબંધિત દેશોની મદદ થશે અને શાંતિપૂર્ણરીતે વિવાદનો ઉકેલી શકાશે. ટેકનિકલ પ્રતિબંધની વાત છે ત્યાં સુધી ચીને હંમેશા યોગ્ય પગલા લીધા છે. ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બુધવારના દિવસે મસુદને લઇને ટેકનિકલ મુદ્દો ઉઠાવ્યો હતો. બ્રિટન, ફ્રાંસ અને અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર પરિષદના ૧૨૬૭ અલકાયદા પ્રતિબંધિત સમિતિ હેઠળ મસુદને ત્રાસવાદી જાહેર કરવા ૨૭મી ફેબ્રુઆરીના દિવસે પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
જમ્મુ કાશ્મીરના પુલવામામાં ૧૪મી ફેબ્રુઆરીના દિવસે જૈશે મોહમ્મદ દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા. આ હુમલાના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી ગઈ હતી. ભારતે જવાબી કાર્યવાહીરૂપે પોકમાં ત્રાસવાદીઓના અડ્ડા ઉપર હુમલા કર્યા હતા જેમાં સેંકડો આતંકવાદીઓ માર્યા ગયા હતા. કાશ્મીર મામલા પર ચીનનું વલણ સ્પષ્ટ અને સ્થિર રહ્યું છે. લુનું કહેવું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આ મામલો છે.