ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ(જીસીઆરઆઇ) અને એસોસીએશન ઓફ રેડિએશન ઓન કોલોજિસ્ટ્સ ગુજરાત ચેપ્ટર (એઆરઓઆઇ-ગુજરાત ચેપ્ટર) દ્વારા ગુજરાત યુનિવર્સિટી કન્વેનશન એન્ડ એક્ઝીબીશન સેન્ટર ખાતે તા.૨૮ નવેમ્બર થી તા.૧ ડિસેમ્બર, ૨૦૧૯ સુધી ૪૧માં વાર્ષિક પરિષદનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કોન્ફરન્સમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના મહાનુભાવોએ ખાસ હાજરી આપી હતી અને પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. ચાર દિવસીય આ કોન્ફરન્સ માટે દેશ-વિદેશમાંથી નિષ્ણાત તબીબો, સંશોધકો, તજજ્ઞો સહિત ૧૫૦૦થી વધુ ડેલીગેટ્સ ભાગ લઇ રહ્યા છે. રેડિએશન ઓન્કોલોજીની બહુ જ મહત્વની એવી આ કોન્ફરન્સમાં ૫૧૨થી વધુ એબસ્ટ્રેકટ સબમીશન અને રિસર્ચ પેપર રજૂ કરવામાં આવશે, જે ઐતિહાસિક અને અભૂતપૂર્વ ઘટના હશે.
ભારતમાં કેન્સર રોગના ફેલાવા અને તેને અટકાવવા, તેની સારવાર, તેના નિવારણ માટેની એડવાન્સ ટેકનોલોજી, સારવાર પધ્ધતિ અને ઉપાયો વિશે મહત્વપૂર્ણ ચર્ચાવિચારણા હાથ ધરાઇ હતી. એસોસીશન ઓફ રેડિયેશન ઓન્કોલોજીસ્ટ્સ ઓફ ઈન્ડિયા (એઆરઓઆઈ)ના પ્રમુખ ડો.રાજેશ વશિષ્ઠ અને એરોઇકોન-૨૦૧૯ ના ઓર્ગનીઝીંગ સેક્રેટરી ડો. પૂજા નંદવાણી પટેલે જણાવ્યું હતું કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર-૨૦૧૯ના આંકડા) અનુસાર, ભારતમાં કેન્સરના ૨.૨૫ મિલિયન કેસો છે અને દર વર્ષે નવા એક લાખ કેસો નોંધાય છે.