અમદાવાદ: ગુજરાતમાં રૂપાણી સરકારના આગમન બાદ સરકાર અને સંગઠન વચ્ચે સંકલનનો અભાવ હોવાનું સતત જણાઈ રહ્યું છે. ગુજરાત સરકારના કાર્યક્રમોમાં સંગઠનના આગેવાનોની સૂચક ગેરહાજરી અવારનવાર સામે આળી હોય છે ત્યારે સરકાર અને સંગઠન વચ્ચે સંકલનનો અભાવ હોવાના કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટેની એકતા યાત્રા ફ્લોપ પૂરવાર થઈ રહી છે. જેને પગલે હવે આગામી તા.૩૧ ઓક્ટોબરના રોજ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના થવા જઈ રહેલો અનાવરણ કાર્યક્રમ રૂપાણી સરકાર માટે પડકારરૂપ બની રહે તેમ છે.
રૂપાણી સરકારની કામગીરીથી નારાજ પીએમ મોદીએ સરદાર પટેલની પ્રતિમાના અનાવરણનો મેગા શો રદ કરી મિનિ શોનું આયોજન કરવું પડ્યું છે. તો, બીજીબાજુ, વડાપ્રધાન મોદીની નારાજગીથી બચવા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંગઠન અને સરકાર સતત ભાગદોડ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની કામગીરી સામે કાર્યકરોમાં રોષ ફેલાયો છે. ખાસ કરીને રૂપાણી સરકારમાં માત્ર સૌરાષ્ટ્રના પ્રતિનિધિઓ અને સૌરાષ્ટ્રની જનતા માટે જ મુખ્યમંત્રી કાર્યાલય ખુલ્લું હોવાનો આક્ષેપ કાર્યકરો દ્વારા થઈ રહ્યો છે. પરિણામે સૌરાષ્ટ્ર સિવાયના છેલ્લા કેટલાક સમયથી મુખ્યમંત્રીના યોજાયેલા જાહેર કાર્યક્રમોમાં ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ હાજર રહેતા નથી. તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલા મુખ્યમંત્રીના બે કાર્યક્રમોમાં કોર્પોરેટરોની ગેરહાજરી અંગે શહેર ભાજપ પ્રમુખને મુખ્યમંત્રી ઠપકો આપ્યો હતો. સામાન્ય રીતે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જે તે શહેરના તમામ કોર્પોરેટરોએ ફરજીયાત હાજર રહેવાનું હોય છે. પરંતુ રૂપાણીના કાર્યક્રમમાં કોર્પોરેટરો અને શહેર સંગઠનના કેટલાક આગેવાનો
ગેરહાજર રહેતા આ કાર્યક્રમો ફ્લોપ થઈ રહ્યા છે. આ ઉપરાંત તાજેતરમાં પીએમ મોદીના આણંદ ખાતે યોજાયેલા જાહેર કાર્યક્રમમાં લોકો અધવચ્ચેથી ઉભા થઈને રવાના થઈ જતા મોદીએ તેની ગંભીરતાથી નોંધ લઈ ભાજપના પ્રદેશ નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું હતું. આ સંજોગોમાં આગામી ૩૧ ઓક્ટોબરના રોજ કેવડિયા કોલોની ખાતે પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના અનાવરણ કાર્યક્રમ સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા ૮ જેટલી જગ્યાએથી એકતા યાત્રા શરૂ કરવામાં આવી છે.
આ યાત્રામાં ગણ્યા ગાંઠ્યા અધિકારીઓ અને કાર્યકરો સિવાય ભાજપના નેતાઓની સૂચક ગેરહાજરી જોવા મળી રહી છે. ખાસ કરીને સાંસદો અને ધારાસભ્યો જેવા મહત્વનો હોદ્દો ધરાવનારા પક્ષના નેતાઓ પણ એકતા યાત્રામાં ગેરહાજર રહેતા હોવાની ફરિયાદો ઉઠી છે. જ્યારે અમદાવાદમાં શરૂ થયેલી એકતા યાત્રામાં ભાજપના બે સાંસદો કિરીટ સોલંકી અને સરદાર ફિલ્મમાં સરદારનો રોલ કરનારા પરેશ રાવલ જ હાજર રહ્યા નહોતા, જેની ગંભીર અને સૂચક નોંધ લેવાઇ હતી. આમ, સરકાર અને સંગઠન વચ્ચે ફરી એકવાર સંકલનનો અભાવ સામે આવ્યો હતો અને હવે પીએમ મોદી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ શો પહેલાં જ એકતાયાત્રાના ફલોપ શોથી બચવા સરકાર અને તંત્ર દોડતા થયા છે તો, ભાજપના વફાદાર નેતાઓને સંગઠન શકિત વધારવા અને જાહેરમાં આવા ક્ષતિઓ સામે ના આવે તેનું ધ્યાન રાખવા સૂચનાઓ પણ અપાઇ હોવાનું જાણવા મળે છે.